IND vs SA: આઇપીએલ 2022માં પોતાની ઝડપથી તબાહી મચાવનાર સનરાઇઝર્સ હૈદરાબાદના બોલર ઉમરાન મલિકને આ પ્રદર્શનનું ઇનામ મળ્યું છે. ઉમરાનને દક્ષિણ આફ્રિકા સામે આગામી 5 મેચોની ટી20 સીરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણે T-20 ટીમમાં ઉમરાનની પસંદગીની ઉજવણી કરી હતી. તેણે આ ઉજવણીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
ઈરફાન પઠાણે વીડિયો કર્યો શેર
વીડિયોમાં જોઈ શકાય છે કે ઈરફાને કેક કાપીને સેલિબ્રેશન કર્યું હતું, આ દરમિયાન હૈદરાબાદના કે અબ્દુલ સમદ પણ જોવા મળી રહ્યા છે. ઇરફાને ફોટા અને વીડિયો શેર કર્યા બાદ સોશિયલ મીડિયા પર આ તસવીરો સામે આવી છે. ભારતના ભૂતપૂર્વ બોલર ઇરફાન પઠાણે લાંબા સમયથી જમ્મુ-કાશ્મીર ક્રિકેટ સાથે કામ કર્યું છે, તેના નેતૃત્વ હેઠળ ઉમરાન મલિક, અબ્દુલ સમદ જેવા યુવા ખેલાડીઓને તાલીમ આપવામાં આવી છે. એટલા માટે જ બંને ઈરફાન પઠાણ પર ખૂબ વિશ્વાસ કરે છે અને સાથે મળીને સેલિબ્રેશન પણ કર્યું છે.
આ ઉજવણીનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા ઇરફાન પઠાણે લખ્યું, "ઉમરાન મલિકને અભિનંદન, આશા છે કે તમારું આ ડેબ્યૂ જમ્મુ-કાશ્મીરના બાળકો માટે પ્રેરણારૂપ સાબિત થશે. અબ્દુલ સમદ માટે ઇરફાન પઠાણે લખ્યું હતું કે તેનો સમય આવશે. "
સનરાઇઝર્સે 4 કરોડમાં ખરીદ્યો હતો ઉમરાન મલિક
આઇપીએલની 15મી સિઝનના પ્રારંભ અગાઉ સનરાઈઝર્સ હૈદરાબાદે ઉમરાન મલિકને રૂપિયા 4 કરોડમાં રિટેન કર્યો. આઇપીએલ 2022માં ઉમરાને એકથી વધુ ફાસ્ટ બોલ નાંખ્યા હતા. આ સીઝનમાં તેની સરેરાશ ઝડપ 145 થી 150 કિમી પ્રતિ કલાકની હતી. તેણે સિઝનનો સૌથી ઝડપી બોલ પણ 157ની ઝડપે ફેંક્યો. ઉમરાન મલિકે 14 મેચમાં કુલ 22 વિકેટ ઝડપી છે.
દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમ
કેએલ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, દીપક હુડ્ડા, શ્રેયસ અય્યર, રિષભ પંત (વાઇસ કેપ્ટન), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઇ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.