India squad for South Africa ODI 2025: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દક્ષિણ આફ્રિકા સામે રમાનારી ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. પસંદગીકારોએ આ શ્રેણી માટે ટીમની કમાન કેએલ રાહુલના હાથમાં સોંપી છે. બીજી તરફ, ગરદનની ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ ન થવાને કારણે સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ આ શ્રેણીનો ભાગ બની શક્યા નથી. જોકે, ટીમ માટે રાહતના સમાચાર એ છે કે અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 50 ઓવરના ફોર્મેટમાં વાપસી કરી રહ્યા છે. આ 15 સભ્યોની ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
કેએલ રાહુલને નેતૃત્વ, ગિલની ગેરહાજરી
દક્ષિણ આફ્રિકા સામેની આ મહત્વપૂર્ણ શ્રેણી માટે BCCI એ વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ પર વિશ્વાસ મુક્યો છે અને તેમને કેપ્ટન બનાવ્યા છે. કોલકાતા ટેસ્ટ દરમિયાન ગરદનમાં ઈજા પામેલા શુભમન ગિલ હજુ રિકવરી મોડમાં હોવાથી તેમને આરામ આપવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ગેરહાજર રહેલા રવિન્દ્ર જાડેજાની વાપસીથી ટીમનું સંતુલન મજબૂત થયું છે.
ઋષભ પંતને પણ ટીમમાં મળ્યું સ્થાન
અગાઉ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઋષભ પંત દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે, પરંતુ બધા અહેવાલો ખોટા સાબિત થયા છે. પસંદગી સમિતિએ આ ત્રણ મેચની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે કેએલ રાહુલની નિમણૂક કરી છે. જોકે, ઋષભ પંત પણ 15 સભ્યોની ભારતીય ટીમનો ભાગ છે.
દક્ષિણ આફ્રિકા સામેની ભારતની 15 સભ્યોની ટીમ
પસંદગી સમિતિએ યુવા અને અનુભવી ખેલાડીઓના મિશ્રણ સાથેની ટીમ જાહેર કરી છે:
બેટ્સમેન: રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ.
વિકેટકીપર: કેએલ રાહુલ (કેપ્ટન), ઋષભ પંત, ધ્રુવ જુરેલ.
ઓલરાઉન્ડર: રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી.
બોલર્સ: કુલદીપ યાદવ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ.
વનડે શ્રેણીનું સંપૂર્ણ સમયપત્રક
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વનડે શ્રેણી 30 નવેમ્બરથી શરૂ થશે. મેચોનું શેડ્યૂલ નીચે મુજબ છે:
પ્રથમ ODI: 30 નવેમ્બર – રાંચી
બીજી ODI: 3 ડિસેમ્બર – રાયપુર
ત્રીજી ODI: 6 ડિસેમ્બર – વિશાખાપટ્ટનમ
વનડે શ્રેણી બાદ બંને ટીમો વચ્ચે 5 મેચની T20 શ્રેણી પણ રમાશે, જેની શરૂઆત 9 ડિસેમ્બરથી કટક ખાતે થશે. T20 શ્રેણી માટેની ટીમની જાહેરાત પાછળથી કરવામાં આવશે.