Virat Kohli 83rd century: દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ વન-ડે મેચ માત્ર વિરાટ કોહલીની ઐતિહાસિક સદી માટે જ નહીં, પરંતુ કેપ્ટન રોહિત શર્માના રિએક્શન માટે પણ ચર્ચામાં આવી છે. વિરાટ કોહલીએ પોતાની કારકિર્દીની 83મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી ત્યારે ડ્રેસિંગ રૂમમાં બેઠેલા રોહિત શર્માના ચહેરા પર અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. કોહલી સદીની નજીક હતો ત્યારે રોહિત ખૂબ જ નર્વસ દેખાતો હતો, પરંતુ જેવો કોહલીએ 100 રનનો આંકડો પાર કર્યો, રોહિતે ઉભા થઈને તાળીઓ પાડી હતી. આ દરમિયાન રોહિત કંઈક બોલતો કેમેરામાં કેદ થયો હતો, જેને જોઈને સોશિયલ મીડિયા પર ચાહકો દાવો કરી રહ્યા છે કે હિટમેને ઉત્સાહમાં આવીને કોઈ 'અપશબ્દ' (slang) ઉચ્ચાર્યો હતો.
વિરાટની સદી અને રોહિતની નર્વસનેસ
રાંચીમાં રમાયેલી આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કરતા વન-ડે કારકિર્દીની 52મી અને કુલ 83મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. જોકે, મેદાન પર કોહલી રમી રહ્યો હતો ત્યારે ડ્રેસિંગ રૂમમાં બેઠેલા રોહિત શર્માની હાલત જોવા જેવી હતી. જ્યારે કોહલી 90 રન પર પહોંચ્યો, ત્યારથી રોહિત પોતાની સીટની ધાર પર આવી ગયો હતો અને દરેક બોલ પર પ્રતિક્રિયા આપી રહ્યો હતો. ખાસ કરીને જ્યારે કોહલી 98 અને 99 રન પર હતો અને રન નહોતા બની રહ્યા, ત્યારે રોહિતના ચહેરા પર સ્પષ્ટ તણાવ દેખાતો હતો. જાણે કે તે પોતે જ બેટિંગ કરી રહ્યો હોય તેવી ચિંતા તેના હાવભાવમાં હતી.
વાયરલ વીડિયો: શું બોલ્યા રોહિત શર્મા?
જેવી વિરાટ કોહલીએ સદી પૂર્ણ કરી, આખું સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું અને ડ્રેસિંગ રૂમમાં પણ ઉજવણીનો માહોલ સર્જાયો. રોહિત શર્માએ તુરંત જ ઉભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું અને જોરદાર તાળીઓ પાડી. આ ક્ષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. વીડિયોમાં રોહિતના હોઠોની હિલચાલ (Lip-sync) જોઈને નેટીઝન્સ અને ચાહકો અટકળો લગાવી રહ્યા છે કે રોહિતે ખુશીના માર્યા ભારતીય ક્રિકેટમાં વપરાતો કોઈ લોકપ્રિય દેશી 'અપશબ્દ' વાપર્યો હતો. જોકે, આ માત્ર ચાહકોનું અનુમાન છે, પરંતુ આ રિએક્શન બંને ખેલાડીઓ વચ્ચેના મજબૂત બોન્ડિંગને દર્શાવે છે.
શરૂઆતી ઝટકા બાદ રોહિત-વિરાટની ભાગીદારી
મેચની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયાની શરૂઆત થોડી નબળી રહી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ માત્ર 18 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો અને ભારતનો સ્કોર ત્યારે 25 રન હતો. કેપ્ટન રોહિત શર્માને પણ ભાગ્યનો સાથ મળ્યો હતો, કારણ કે જ્યારે તે માત્ર 1 રન પર હતો ત્યારે ટોની ડી જોર્ઝીએ તેનો સરળ કેચ છોડ્યો હતો. આ જીવનદાનનો લાભ ઉઠાવીને રોહિત અને વિરાટે બાજી સંભાળી લીધી હતી.
સતત બીજી સદીની ભાગીદારી
રોહિત અને વિરાટની જોડીએ ફરી એકવાર સાબિત કર્યું કે તેઓ કેમ વિશ્વની શ્રેષ્ઠ જોડી ગણાય છે. બંનેએ બીજી વિકેટ માટે 136 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. રોહિત શર્માએ આક્રમક અંદાજમાં બેટિંગ કરતા 51 બોલમાં 57 રન બનાવ્યા હતા, જેમાં 3 સિક્સ અને 5 ચોગ્ગા સામેલ હતા. ઉલ્લેખનીય છે કે, આ બંને વચ્ચે સતત બીજી વખત સદીની ભાગીદારી નોંધાઈ છે. અગાઉ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડેમાં પણ બંનેએ શતકીય ભાગીદારી કરી હતી, જેમાં રોહિતે સદી અને વિરાટે અડધી સદી ફટકારી હતી.