Shreyas Iyer Record India vs South Africa 1st ODI: ભારતને દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીની પ્રથમ મેચમાં 9 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 250 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 240 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયા તરફથી શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી હતી. આ અડધી સદીના કારણે તેણે એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી. અય્યર વર્ષ 2022માં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય અડધી સદી ફટકારવાના મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
વર્ષ 2022માં અત્યાર સુધીની સૌથી વધુ અડધી સદી ફટકારવાના મામલે પાકિસ્તાનના બાબર આઝમ પ્રથમ સ્થાને છે. તેણે 17 અડધી સદી ફટકારી છે. આ મામલામાં બાંગ્લાદેશના લિટન દાસ બીજા સ્થાને છે. તેણે 13 અર્ધસદી ફટકારી છે. આ પછી મોહમ્મદ રિઝવાન ત્રીજા સ્થાને છે. તેણે 10 અડધી સદી ફટકારી છે. આ યાદીમાં ઐય્યર પણ જોડાયા છે. તે રિઝવાન સાથે સંયુક્ત રીતે ત્રીજા ક્રમે છે. આ બંને બેટ્સમેનોએ અત્યાર સુધીમાં 10-10 અડધી સદી ફટકારી છે.
તમને જણાવી દઈએ કે ડેવિડ મિલરે લખનઉ વનડેમાં દક્ષિણ આફ્રિકા માટે અણનમ 75 રન બનાવ્યા હતા. જ્યારે ક્લાસને અણનમ 74 રન બનાવ્યા હતા. આ રીતે ટીમે પ્રથમ બેટિંગ કરતા 249 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 240 રન જ બનાવી શકી હતી. આ દરમિયાન અય્યરે 37 બોલમાં 50 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 8 ચોગ્ગા સામેલ હતા. સંજુ સેમસને અણનમ 86 રન બનાવ્યા હતા. સેમસને 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
દક્ષિણ આફ્રિકાના 249 રનના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. શિખર ધવન (4 રન) અને શુભમન ગિલ (3 રન) સસ્તામાં આઉટ થયા હતા. આ સિવાય ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ પણ કંઈ ખાસ કરી શક્યા નથી. જોકે, શ્રેયસ અય્યર અને સંજુ સેમસને શાનદાર ઇનિંગ્સ રમી હતી, પરંતુ ભારતીય ટીમને જીત અપાવી શક્યા નહોતા.
વર્ષ 2022માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર બેટ્સમેન -
17: બાબર આઝમ
13 : લિટન દાસ
10 : મોહમ્મદ રિઝવાન
10 : શ્રેયસ અય્યર