Sanju Samson ODI Record: દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ વનડે મેચમાં 250 રનનો ટાર્ગેટ મેળવવા માટે રમવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરુઆત ખરાબ રહી હતી. પરંતુ મેચ તેના અંત સમયમાં અત્યંત રોમાંચક બની હતી જો કે, મેચમાં ભારતને 9 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચનો હિરો સંજુ સેમસન રહ્યો છે. સંજુ સેમસને 63 બોલમાં અણનમ 86 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ સાથે સંજુ સેમસને સાઉથ આફ્રિકા સામે રોકોર્ડ પણ બનાવ્યો છે.


સંજુએ દ. આફ્રિકા સામે સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવ્યોઃ


સંજુ સેમસને દક્ષિણ આફ્રિકા સામે રમેલી 86 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ સાથે સંજુ વન ડે મેચમાં દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધુ રનનો વ્યક્તિગત સ્કોર બનાવનાર બેટ્સમેન બન્યો ગોય છે. સંજુએ 63 બોલમાં 3 સિક્સર અને 9 ફોરની મદદથી આ સ્કોર બનાવ્યો હતો. સંજુ સેમસને અંતિમ ઓવર સુધી મેચ રોમાંચક બનાવી હતી. જો કે, ભારતને 9 રનથી હારનો સામનો કરવો પડ્યો છે.






દક્ષિણ આફ્રિકાના 249 રનના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. શિખર ધવન (4 રન) અને શુભમન ગિલ (3 રન) સસ્તામાં આઉટ થયા હતા. આ સિવાય ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ પણ કંઈ ખાસ કરી શક્યા નથી. જોકે, શ્રેયસ અય્યર અને સંજુ સેમસને શાનદાર ઇનિંગ્સ રમી હતી, પરંતુ ભારતીય ટીમને જીત અપાવી શક્યા નહોતા. 


શ્રેયસ અય્યરે 37 બોલમાં 50 રન બનાવ્યા હતા. ઈશાન કિશને 37 બોલમાં 20 રન જ્યારે ઋતુરાજ ગાયકવાડે 42 બોલમાં 19 રનનું યોગદાન આપ્યું હતું. દક્ષિણ આફ્રિકા માટે કાગિસો રબાડાએ 8 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે લુંગી એન્ગીડીને 3 વિકેટ ઝડપવામાં સફળતા મળી હતી. આ સિવાય વેઈન પેર્નેલ, કેશવ મહારાજ અને તબરેઝ શમ્સીએ 1-1 વિકેટ લીધી હતી.


ડેવિડ મિલર અને હેનરી ક્લાસેન મેચને પલટીઃ


આ પહેલાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમે 40 ઓવરમાં 4 વિકેટે 249 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના મિડલ ઓર્ડર બેટ્સમેન ડેવિડ મિલર અને હેનરી ક્લાસને શાનદાર ઇનિંગ્સ રમી હતી. ડેવિડ મિલરે 63 બોલમાં 75 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. તો, હેનરી ક્લાસને 65 બોલમાં 74 રન બનાવ્યા હતા. 


હેનરી ક્લાસને તેની ઇનિંગ દરમિયાન 6 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી હતી. આ સિવાય ક્વિન્ટન ડી કોકે 54 બોલમાં 48 રન અને જાનેમન મલને 42 બોલમાં 22 રન બનાવ્યા હતા. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે 2 વિકેટ અને રવિ બિશ્નોઈ - કુલદીપ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.