IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20I શ્રેણીની પ્રથમ મેચ મંગળવારે (3 જાન્યુઆરી) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. નવા વર્ષમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત મેદાન પર ઉતરશે. બિગ-3 (વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલ)ની ગેરહાજરીમાં એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકા સામે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપની કસોટી થશે. વિદેશમાં જીત મેળવનાર પંડ્યા પોતાની ધરતી પર પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે.


હાર્દિકને કેપ્ટન તરીકે કેવો છે દેખાવ


આ પહેલા હાર્દિકે છ મેચમાં કેપ્ટનશીપ કરી છે. તમામ મેચો વિદેશી મેદાનો પર રમાઈ છે. હાર્દિકે આયર્લેન્ડ સામે બે, વેસ્ટ ઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડ સામે એક-એક જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડ સામેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી અને ટાઈમાં સમાપ્ત થઈ હતી. તેની કેપ્ટનશીપ હેઠળ તેણે હજુ સુધી હારનો સામનો કરવો પડ્યો નથી.


હાર્દિકને 2024માં 18 મહિના બાદ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત થનારા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપનો દાવેદાર માનવામાં આવી રહ્યો છે. ભારતે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર પંડ્યાની કપ્તાનીમાં વરસાદથી પ્રભાવિત ત્રણ મેચની શ્રેણી 1-0થી જીતી હતી. એક મેચ રદ કરવામાં આવી હતી, જ્યારે એક મેચ ડકવર્થ-લુઈસ પદ્ધતિથી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ઉપરાંત, બેટિંગ માટે અનુકૂળ વાનખેડે પિચ પર, પંડ્યાના નેતૃત્વમાં ભારતીય ટીમ સંરક્ષણાત્મક અભિગમને બદલે આક્રમક વલણ અપનાવવા પર ભાર મૂકશે. તે ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડને ઓપનિંગમાં લઈ શકે છે. ત્રીજા ઓપનર તરીકે શુભમન ગિલ પણ ટીમમાં છે. હવે જોવાનું એ રહેશે કે હાર્દિક તેના ગુજરાત ટાઇટન્સના ઓપનર ગિલને તક આપશે કે નહીં.


પિચ રિપોર્ટ


મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે અનુકૂળ માનવામાં આવે છે. બીજી તરફ હવામાનને જોતા અહીં ઝાકળ પડવાની પ્રબળ શક્યતા છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે. જો કે, આ મેદાન પર કોઈપણ રન ચેઝ કરી શકાય છે. આવી સ્થિતિમાં, ઝાકળ સિવાય, ટોસ જીત્યા પછી બોલિંગ કરવાનું બીજું કારણ પણ છે.


ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન


ભારત: ઈશાન કિશન (વિકેટકિપર), ઋતુરાજ ગાયકવાડ/શુબમન ગિલ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.


આમને સામને રેકોર્ડ


ભારત અને શ્રીલંકાની ટીમ અત્યાર સુધીમાં 26 વખત સામસામે આવી ચુકી છે. આમાં 17 મેચો ભારતીય ટીમે જીતી છે, જ્યારે 8 મેચ શ્રીલંકાના પક્ષમાં ગઈ છે. તે જ સમયે, ટીમ ઈન્ડિયા વાનખેડેમાં ચાર T20 મેચ રમી છે. અહીં તેને બેમાં જીત અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે.