કોલંબોઃ ભારત અને શ્રીલંકા વચ્ચે આજે બીજી વનડે મેચ પ્રેમદાસા સ્ટેડિયમાં રમાઈ રહી છે. મેચમાં શ્રીંલકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 275 રન બનાવ્યા હતા. અસલંકાએ શ્રીલંકા તરફથી સર્વાધિક 65 રન બનાવ્યા હતા. ફર્નાન્ડોએ 50 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ચહલ-ભુવનેશ્વર કુમારે 3 વિકેટ લીધી હતી.
ઓપનિંગ જોડીની મજબૂત શરૂઆત
શ્રીલંકાના ઓપનર ભાનુકા (36 રન) અને ફર્નાન્ડો (50 રન0ની જોડીએ શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ 13.1 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 77 રનની પાર્ટનરશિપ કરી હતી. આ જોડીને ચહલે તોડી હતી અને તે પછીના બીજા બોલ પર પણ વિકેટ લીધી હતી. જેના કારણે શ્રીલંકા પર દબાણ સર્જાયું હતું.
આ મેદાન પર કેટલો છે સફળ રન ચેઝનો રેકોર્ડ
- 287 રનઃ ભારત વિ શ્રીલંકા, 2012
- 270 રનઃ ભારત વિ ઈંગ્લેન્ડ, 2002
- 266 રનઃ શ્રીલંકા વિ ઈંગ્લેન્ડ 2014
- 264 રનઃ શ્રીલંકા વિ સાઉથ આફ્રિકા, 2004
ભારતની નજર શ્રીલંકા સામે સળંગ 9મી દ્વિપક્ષીય જીત પર
ભારત આજની મેચ જીતશે તો શ્રીલંકા સામે સળંગ ૯મી દ્વિપક્ષીય વન ડે શ્રેણી જીતવાનો રેકોર્ડ નોંધાવશે. ભારતીય ટીમ વિન્ડિઝ સામે સળંગ ૧૦ દ્વિપક્ષિય શ્રેણી જીતવાનો રેકોર્ડ ધરાવે છે. એક દેશ સામે સૌથી વધુ ૧૧ વન ડે શ્રેણી જીતવાનો રેકોર્ડ પાકિસ્તાનના નામે છે, જે તેમણે ઝિમ્બાબ્વે સામે રમી-રમીને નોંધાવ્યો છે.
શ્રીલંકાની ટીમ છેલ્લે ઓગસ્ટ, ૧૯૯૭માં ભારત સામેની ૪ વન ડેની દ્વિપક્ષિય શ્રેણી ૩-૦થી જીત્યું હતુ. જે પછી બંને દેશો વચ્ચે રમાયેલી ૧૧માંથી એક પણ વન ડે શ્રેણી શ્રીલંકા જીતી શક્યું નથી. ૧૧માંથી ૯ શ્રેણી ભારતના નામે રહી છે, જ્યારે બે શ્રેણી ડ્રો થઈ છે. ભારતની શ્રીલંકા સામેની વન ડે શ્રેણીની વિજયકૂચ ૨૦૦૭માં શરૃ થઈ હતી, જે હજુ આગળ વધી રહી છે.
ભારતીય ટીમ
પૃથ્વી શૉ, શિખર ધવન (કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), મનિષ પાંડે, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ.
શ્રીલંકન ટીમ
આવિષ્કા ફર્નાન્ડો, મિનોદ ભાનુકા (વિકેટકીપર), ભાનુકા રાજપક્ષા, ધનંજય ડી સિલ્વા, ચરીત અસલન્કા, દાસુન શનાકા (કેપ્ટન), વનિન્દુ હસરરંગા, ચમિકા કરુણારત્ને, દુષ્નામન્તા ચમીરા, લક્ષન સંડાકન, કુસુન રજીતા.
કેપ્ટન-કૉચની જોડી
ત્રણ વનડે મેચોની સીરીઝ માટે ભારતીય ટીમમાં કેપ્ટન અને કૉચની નવી જોડી મેદાનમાં દેખાઇ રહી છે. કેપ્ટન તરીકે શિખર ધવન અને કૉચ તરીકે રાહુલ દ્રવિડને જવાબદારી સોંપવામાં આવી છે. બન્ને સીરીઝમાં સારુ પરફોર્મન્સ બતાવી રહ્યાં છે.