India vs Sri Lanka Final, Asia Cup 2023: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલા એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમના બોલરોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. આ મેચમાં શ્રીલંકાની ટીમ 15.2 ઓવરમાં માત્ર 50 રન સુધી જ સિમિત રહી હતી. ટીમ ઈન્ડિયા તરફથી મોહમ્મદ સિરાજે ધારદાર બોલિંગ કરતા 7 ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ સિવાય હાર્દિક પંડ્યાએ 3 અને બુમરાહે પણ 1 વિકેટ લીધી હતી.
શ્રીલંકા ભારત સામે ODIમાં સૌથી ઓછો સ્કોર કરનારી ટીમ બની
શ્રીલંકન ટીમના બેટ્સમેનોના ખરાબ પ્રદર્શન બાદ હવે વનડે ક્રિકેટમાં તેમના નામે ત્રણ શરમજનક રેકોર્ડ નોંધાયા છે. હવે ભારત સામે ODI ફોર્મેટમાં કોઈપણ ટીમ દ્વારા સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ શ્રીલંકન ટીમના નામે છે. આ પહેલા આ રેકોર્ડ બાંગ્લાદેશના નામે હતો. વર્ષ 2014માં ટીમ ઈન્ડિયાએ મીરપુરમાં રમાયેલી ODI મેચમાં બાંગ્લાદેશને 58 રનમાં આઉટ કરી દીધું હતું.
શ્રીલંકાએ વનડે ઈતિહાસની ફાઈનલ મેચમાં સૌથી ઓછો સ્કોર બનાવ્યો
વનડે ફોર્મેટમાં અત્યાર સુધીની કોઈપણ ટૂર્નામેન્ટમાં રમાયેલી ફાઈનલ મેચમાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ શ્રીલંકાના નામે નોંધાયેલો છે. આ પહેલા પણ આ રેકોર્ડ તેના નામે જ હતો, જ્યારે વર્ષ 2000માં શારજાહમાં રમાયેલી ફાઈનલ મેચમાં તે માત્ર 54 રન જ બનાવી શકી હતી. ODIમાં કોઈપણ ટીમ દ્વારા ફાઈનલ મેચમાં સૌથી ઓછી ઓવરો રમવાનો રેકોર્ડ પણ શ્રીલંકાના નામે નોંધાયેલો છે, જેમાં તેઓ આ મેચમાં માત્ર 15.2 ઓવર સુધી જ સીમિત રહી હતી.
વનડેમાં શ્રીલંકાનો બીજો સૌથી ઓછો સ્કોર
વનડે ફોર્મેટના ઈતિહાસમાં શ્રીલંકન ટીમના અત્યાર સુધીના સૌથી ઓછા સ્કોર પર નજર કરીએ તો વર્ષ 2012માં સાઉથ આફ્રિકા સામે તેણે 43 રન બનાવ્યા હતા. આ સિવાય આ મેચમાં તેનો બીજો સૌથી ઓછો સ્કોર 50 રન છે. આ મેચમાં શ્રીલંકન ટીમના માત્ર બે જ ખેલાડીઓ ડબલ ફિગર સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.