India vs Sri Lanka Aisa Cup Final: આજે ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2023ની ફાઇનલ મેચ રમાશે, આ મેચ આજે બપોરે 3 વાગ્યાથી શરૂ થઇ રહી છે, જોકે, આ પહેલા હવામાન રિપોર્ટ છે કે, મેચમાં વરસાદી વિઘ્ન નડી શકે છે. એશિયા કપની ફાઈનલ મેચ આજે શ્રીલંકાના કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. વેધર ડોટ કોમના રિપોર્ટ અનુસાર, આજે 17મી સપ્ટેમ્બરે શ્રીલંકામાં 80-82 ટકા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં છે. રાત્રિ દરમિયાન 70-75 ટકા વરસાદની આગાહી છે.


ખાસ વાત છે કે, એશિયા કપ ટૂર્નામેન્ટની શરૂઆતથી અત્યાર સુધી આ બંને ટીમો વચ્ચે એક પણ વખત ફાઈનલ રમાઈ નથી. આ વખતે પણ પહેલા લાગતુ હતુ કે ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં આમને સામને ટકરાશે, પરંતુ આ વખતે ગણિત ઉંધું વળ્યુ છે. કોલંબોમાં રમાયેલી સુપર 4ની તમામ મેચ વરસાદને કારણે ખોરવાઈ ગઈ છે. એશિયા કપ ફાઇનલમાં પણ વરસાદનો ખતરો છે. સારા સમાચાર એ છે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલે આ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે. મતલબ કે જો 17 સપ્ટેમ્બરે વરસાદના કારણે મેચ રોકવી પડશે તો બીજા દિવસે આ મેચ રમાડવામાં આવશે.


વરસાદથી મેચ ધોવાશે તો આ રીતે નક્કી થશે વિજેતા  -  
વરસાદથી વિક્ષેપિત મેચો માટે વનડેમાં ICC નિયમો કહે છે કે બંને પક્ષો માટે ઓછામાં ઓછી 20-20 ઓવર રમવી જરૂરી છે. જે પણ ટીમ પહેલા બેટિંગ કરશે, ત્યારપછીની ટીમે 20 ઓવર રમવાની રહેશે. ડકવર્થ-લૂઈસ નિયમના આધારે, 20 ઓવરની રમત પછી જે ટીમ આગળ હશે તેને વિજેતા જાહેર કરવામાં આવશે. ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપની ફાઈનલ રિઝર્વ ડે પર પણ ન રમાઈ શકે તો શું થશે? આ સવાલ દરેક ફેન્સના મનમાં આવતો જ હશે. આનો જવાબ એકદમ સ્પષ્ટ છે કે કોઈ એક ટીમને ટ્રોફી નહીં મળે. જો વરસાદના કારણે મેચ રદ્દ થશે તો ટૂર્નામેન્ટનો સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.