India vs Sri Lanka 3rd T20 Match Report: રાજકોટમાં રમાયેલી સીરિઝની ત્રીજી ટી-20 મેચમાં ભારતે શ્રીલંકાને 91 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી છે. તેણે મુંબઈમાં રમાયેલી પ્રથમ મેચમાં પણ જીત મેળવી હતી. જ્યારે શ્રીલંકાનો બીજી ટી-20 મેચમાં વિજય થયો હતો.






ત્રીજી ટી-20 મેચમાં ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં પાંચ વિકેટે 228 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 16.4 ઓવરમાં 137 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.






ભારત તરફથી સૂર્યકુમાર યાદવે માત્ર 51 બોલમાં 112 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન સૂર્યાએ 7 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. બોલિંગમાં હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ અને ઉમરાન મલિકે બે-બે વિકેટ લીધી હતી. આ સિવાય અર્શદીપ સિંહને ત્રણ સફળતા મળી હતી જ્યારે અક્ષર પટેલને એક સફળતા મળી હતી.






ભારત તરફથી મળેલા 229 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસે શ્રીલંકાની ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ 4.5 ઓવરમાં 44 રન કર્યા હતા. જો કે આ પછી શ્રીલંકાનો એક પણ બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. મેન્ડિસે 23 અને નિસાંકાએ 15 રન બનાવ્યા હતા. આ પછી ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલી અવિષ્કા ફર્નાન્ડો એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.


ધનંજય ડી સિલ્વાએ 14 બોલમાં 22 રન બનાવ્યા હતા. આ સિવાય ચરિથ અસાલંકાએ 14 બોલમાં 19 રન અને કેપ્ટન દાસુન શનાકાએ 17 બોલમાં 23 રન બનાવ્યા હતા. જ્યારે વનિન્દુ હસરંગા 09, ચમિકા કરુણારત્ને ઝીરો, મહેશ તિક્ષ્ણાના 02 અને દિલશાન મધુસંકા એક રન બનાવીને આઉટ થયા હતા.


ભારત તરફથી સૂર્યકુમારે સદી ફટકારી


આ પહેલા ભારત માટે સૂર્યકુમાર યાદવે માત્ર 51 બોલમાં 112 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. ટી-20 ઈન્ટરનેશનલમાં આ તેની ત્રીજી સદી છે. જ્યારે શુભમન ગીલે 46 અને અક્ષર પટેલે માત્ર 9 બોલમાં અણનમ 21 રન બનાવ્યા હતા.શ્રીલંકા તરફથી દિલશાન મધુશંકાએ બે વિકેટ ઝડપી હતી.


હવે બંને ટીમો વચ્ચે ત્રણ વનડે મેચોની શ્રેણી રમાશે. પ્રથમ મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે. બીજી મેચ 12 જાન્યુઆરીએ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. આ પછી શ્રેણીની છેલ્લી મેચ 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે.