રાજકોટમાં શ્રીલંકા સામે રમાઇ રહેલી ત્રીજી ટી-20 મેચમાં સૂર્યકુમાર યાદવે તોફાની બેટિંગ કરી હતી. સૂર્યકુમાર યાદવે શ્રીલંકા સામેની T20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં શાનદાર સદી ફટકારી હતી. એક વર્ષની અંદર તેણે ભારત માટે ત્રીજી વખત ટી-20 ક્રિકેટમાં સદી ફટકારી અને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવની આ ત્રીજી સદી હતી. આ ઇનિંગ સાથે તેણે ભારતના કેએલ રાહુલ અને પાકિસ્તાનના બાબર આઝમ સહિત ઘણા બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે. આ બંને બેટ્સમેનોએ આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં બે સદી ફટકારી છે. જ્યારે સૂર્યકુમાર યાદવે આ સિદ્ધિ ત્રણ વખત મેળવી છે.






હવે માત્ર ભારતીય કેપ્ટન રોહિત શર્મા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારવામાં સૂર્યકુમારથી આગળ છે. રોહિતે ભારત માટે T20માં ચાર સદી ફટકારી છે અને આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે.


સૂર્યકુમાર મેક્સવેલ અને મુનરોની ક્લબમાં જોડાયો


T20 ક્રિકેટમાં પોતાની ત્રીજી સદી સાથે સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ અને ન્યૂઝીલેન્ડના કોલિન મુનરોની બરોબરી કરી લીધી છે. આ બંને બેટ્સમેનોએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં ત્રણ સદી પણ ફટકારી છે.






ભારતે શ્રીલંકાને જીતવા માટે 229 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ઇનિંગ્સના આકર્ષણનું કેન્દ્ર સૂર્યકુમાર યાદવ હતો, જેણે 51 બોલમાં 112 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન સૂર્યકુમારે 9 સિક્સ સાત ચોગ્ગા ફટકાર્યા હતા. ઓપનર શુભમન ગિલે પણ 36 બોલમાં 46 રન બનાવ્યા હતા.  રાહુલ ત્રિપાઠીએ 35 રન ફટકાર્યા હતા. શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી.