Jasprit Bumrah News: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારતના નવા ટેસ્ટ કેપ્ટનની જાહેરાત કરી છે. લિમિટેડ ઓવરનો કેપ્ટન રોહિત શર્મા વિરાટ કોહલીની જગ્યાએ ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનશે. આ પહેલા રોહિતને T20 અને ODIના ફુલ ટાઈમ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. BCCIએ શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ભારતીય ટીમની પણ જાહેરાત કરી છે. આ ટીમમાં સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેને જગ્યા મળી નથી.


કયા ગુજરાતી ક્રિકેટરને મળી જવાબદારી


ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે મોટી જવાબદારી મળી છે. તેને શ્રીલંકા સામે રમારની ટી20 અને ટેસ્ટ શ્રેણી માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ કહ્યું છે કે ફોર્મ સાથે ઝઝૂમી રહેલા બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેને પડતો મૂકવામાં આવ્યા છે, તેમને રણજી ટ્રોફી રમીને ફરીથી ફોર્મ મેળવવા માટે કહેવામાં આવ્યું છે.


પુજારા-રહાણે માટે દરવાજા બંધ


ચેતન શર્માએ કહ્યું, "નિર્ણય લેતા પહેલા પસંદગી સમિતિએ ઘણું વિચાર્યું હતું. અમે તેમની સાથે અગાઉ વાત કરી હતી. અમે તેમને કહ્યું હતું કે અમે શ્રીલંકા માટે 2 ટેસ્ટ મેચ માટે તેમને ધ્યાનમાં લઈશું નહીં. અમે તેમને કહ્યું કે તેમના માટે દરવાજા ખુલ્લા છે. માત્ર 2 ટેસ્ટ મેચોમાં પસંદગીકારોએ અન્ય ક્રિકેટરોને તક આપવાનું નક્કી કર્યું છે.


કોને કોને અપાયો આરામ


પસંદગીકર્તા ચેતન શર્માએ કહ્યું, વિરાટ કોહલી અને રિષભ પંતને શ્રીલંકા સામેની ટી20 સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. જ્યારે શાર્દુલ ઠાકુરને ટેસ્ટ અને ટી20 બંનેમાં આરામ અપાયો છે.