IND vs SL: શ્રીલંકા સામે મોહાલીમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં અશ્વિને કપિલ દેવનો મોટો રેકોર્ડ તોડ્યો છે. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં વિકેટના મામલે કપિલ દેવને પાછળ રાખ્યા છે. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બની ગયો છે. અશ્વિને 1983 વર્લ્ડકપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવનો ટેસ્ટમાં 434 વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો છે. જોકે અશ્વિન હજુ પણ ભારતના પૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલેથી પાછળ છે. કુંબલેએ કરિયરમાં 619 વિકેટ લીધી હતી. તે વિશ્વમાં સૌથી વધુ વિકેટ લેનારો ચોથો બોલર છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો વિક્રમ શ્રીલંકાના સ્પિનર મુથૈયા મુરલીધનના નામે છે.
એક જ મેચમાં તૂટયા કપિલ દેવના બે રેકોર્ડ
આ પહેલા ગઈકાલે રવિન્દ્ર જાડેજાએ સાતમા ક્રમે બેટિંગમાં આવીને કપિલ દેવનો રેકોર્ડે તોડ્યો હતો. કપિલ દેવે 1986માં કાનપુરમાં શ્રીલંકા સામે 163 રન બનાવ્યા હતા. જે અત્યાર સુધીનો કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા સાતમા ક્રમે બેટિંગ કરીને બનાવવામાં આવેલો રેકોર્ડ હતો. જાડેજાએ અણનમ 175 રન બનાવી આ રેકોર્ડ તોડ્યો હતો.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સ
- મુથેયા મુરલીધરન, શ્રીલંકા – 800 વિકેટ
- શેન વોર્ન, ઓસ્ટ્રેલિયા – 708 વિકેટ
- જેમ્સ એન્ડરસન, ઈંગ્લેન્ડ 640 વિકેટ
- અનિલ કુંબલે, ભારત 619 વિકેટ
- ગ્લેન મેકગ્રાથ, ઓસ્ટ્રેલિયા 563 વિકેટ
- સ્ટુઅટ બ્રોડ, ઈંગ્લેન્ડ 537 વિકેટ
- કર્ટની વોલ્શ, વેસ્ટ ઈન્ડિઝ 519 વિકેટ
- ડેલ સ્ટેન, સાઉથ આફ્રિકા 439 વિકેટ
- રવિચંદ્રન અશ્વિન, ભારત, 435 વિકેટ
- કપિલ દેવ, ભારત 434 વિકેટ
- રંગાના હેરાથ, શ્રીલંકા 433 વિકેટ
બીજા દિવસે શું થયું
મોહાલી ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 8 વિકેટના નુકસાને 574 રન બનાવીને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. આ દરમિયાન જાડેજાએ 175 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે રિષભ પંત સદી ફટકારવામાં ચૂકી ગયો હતો. પંતે 96 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા 29 અને વિરાટ કોહલી 45 રન બનાવીને આઉટ થયા હતા. હનુમા વિહારીએ 58 રનનું યોગદાન આપ્યું હતું. ભારતના 574 રનના જવાબમાં શ્રીલંકાએ બીજા દિવસના અંતે 4 વિકેટના નુકસાન પર 108 રન બનાવ્યા હતા.
બીજા દિવસની શરૂઆતમાં શેન વોર્ન અને રોડ માર્શને શ્રદ્ધાંજલી આપવા માટે બંને ટીમો પ્રથમ ટેસ્ટના બીજા દિવસે કાળી પટ્ટી પહેરી મેદાનમાં રમવા ઉતરી હતી. બીજા દિવસની રમત શરૂ થાય એ પહેલા 1 મિનિટનું મૌન પણ પાળ્યું હતું.
પ્રથમ દિવસે ભારતે ટોસ જીતી બેટિંગ લીધી
ટોસ જીતીને બેટીંગ પસંદ કરનારા ભારતે શ્રીલંકાના સરેરાશ લાગતાં બોલિંગ આક્રમણ પર પ્રથમ દિવસે પ્રભુત્વ જમાવ્યું હતુ. રિષભ પંતની વન ડે સ્ટાઈલની 97 બોલમાં 96 રનની વિસ્ફોટક ઈનિંગ તેમજ વનડાઉન આવેલા વિહારીના 58 રનની મદદથી ભારતે શ્રીલંકા સામે મોહાલીમાં શરૃ થયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસની રમતના અંતે 6 વિકેટે 357 રન કર્યા હતા. વિરાટ કોહલી કારકિર્દીની 100મી ટેસ્ટમાં પાંચ રન માટે અડધી સદી ચૂક્યો હતો. જ્યારે કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટમાં રોહિત પણ પ્રભાવ પાડી શક્યો નહતો અને 29 રને આઉટ થયો હતો. રમતના અંતે જાડેજા 45 અને અશ્વિન 10 રને રમતમાં હતા.
પ્રથમ ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ ઇલેવનઃ રોહિત શર્મા, મયંક અગ્રવાલ, હનુમા વિહારી, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, જયંત યાદવ
શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવનઃ દિમુથ કરુણારત્ને, લાહિરુ થિરિમાને, પથુમ નિસાન્કા, ચરિત અસલંકા, એન્જેલો મેથ્યુસ, ધનંજય ડી સિલ્વા, નિરોશન ડિકવેલા, સુરંગા લકમલ, વિશ્વા ફર્નાન્ડો, લસિથ એમ્બુલ્ડેનિયા અને લાહિરુ કુમારા