Rohit Sharma Denies Appeal After Shami calls for Mankading Against Dasun Shanaka:  ટીમ ઈન્ડિયાએ ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને 67 રનથી હરાવ્યું હતું. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ આ મેચમાં અણનમ 108 રનની ઇનિંગ રમી હતી, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો.






આ મેચમાં ભલે શ્રીલંકાની ટીમ હારી ગઈ હોય, પરંતુ બધા દાસુન શનાકાની સદીની ઈનિંગના વખાણ કરી રહ્યા છે. જો કે, જો રોહિત શર્મા ઈચ્છતો હોત તો શનાકા સદી ફટકારી શક્યો ન હોત.






વાસ્તવમાં શ્રીલંકાની ઈનિંગ્સની 50મી ઓવરમાં ચોથા બોલ પર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ દાસુન શનાકાને માંકડિંગ આઉટ એટલે કે નોન-સ્ટ્રાઈક એન્ડ પર રન આઉટ કર્યો હતો, પરંતુ ભારતીય કેપ્ટને અપીલ પાછી ખેંચી લીધી હતી. શનાકા તેની સદી પૂરી કરી શક્યો ન હતો.


ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 373 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 306 રન જ બનાવી શકી હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકાએ અણનમ 108 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા નીકળ્યા હતા. અને ઓપનર પથુમ નિસાન્કાએ 72 રન બનાવ્યા હતા. આમ છતાં શ્રીલંકાની ટીમને મેચમાં 67 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.


બોલિંગમાં ઉમરાન મલિકે 8 ઓવરમાં 57 રનમાં 3 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સાથે જ મોહમ્મદ સિરાજે 2 ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ સિવાય મોહમ્મદ શમી અને યુઝવેન્દ્ર ચહલને 1-1 સફળતા મળી હતી. જો કે, ટીમ ઈન્ડિયા 3 વનડે શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે. આ પહેલા વિરાટ કોહલીએ બેટિંગમાં ભારત માટે 113 રનની શાનદાર ઇનિંગ રમી હતી.