Pink Ball Test - ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલતી એટલે કે 12 માર્ચે ડે-નાઇટ ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. બન્ને દેશો વચ્ચે બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આ પિન્ક બૉલ ટેસ્ટ મેચ રમાશે. પિન્ક બૉલ ટેસ્ટ વિશે ભારતને વધુ અનુભવ નથી, કેમ કે ભારતીય ટીમના અત્યારે સુધીના પિન્ક બૉલ ટેસ્ટના ઇતિહાસની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાએ માત્ર ત્રણ જ પિન્ક બૉલ ટેસ્ટ મેચ રમી છે. આમાંથી બેમાં જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. જાણો ક્યારે ને કોની સામે રમી છે ડે-નાઇટ ટેસ્ટ મેચો......
પહેલી પિન્ક બૉલ ટેસ્ટ -
ટીમ ઇન્ડિયાએ પહેલી પિન્ક બૉલ ટેસ્ટ મેચ વર્ષ 2019ના નવેમ્બરમાં રહી હતી. કોલકત્તાના ઇડન ગાર્ડનમાં રમાયેલી આ પિન્ક બૉલ ટેસ્ટમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને પડકાર ફેંક્યો હતો. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે માત્ર પહેલી ઇનિંગમાં માત્ર 106 રન પર સમેટાઇ ગઇ હતી, આ પછી ભારતે 347 રનની ઇનિંગ રમી. બાંગ્લાદેશ બીજી ઇનિંગમાં 195 રન બનાવી શકી અને 46 રનથી હારી ગઇ હતી. મેચમાં ટીમ ઇન્ડિયાને શાનદાર જીત મળી હતી.
બીજી ડે-નાઇટ ટેસ્ટ -
વર્ષ 2020માં ભારતીય ટીમે એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે બીજી ડેનાઇટ ટેસ્ટ મેચ રમી હતી. ભારતે ટૉસ જીતીને પહેલી ઇનિંગમાં બેટિંગ કરતા 244 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમને પણ 191 રન પર સમેટી દીધી હતી, પરંતુ બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયા 36 રનના શરમજનક સ્કૉર પર ઓલઆઉટ થઇ ગઇ અને ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી લીધી હતી. આ રીતે બીજી ડે-નાઇટ ટેસ્ટ ભારત હારી ગયુ હતુ.
ત્રીજી ડે-નાઇટ ટેસ્ટ -
ફેબ્રુઆરી 2021માં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે ત્રીજી વાર પિન્ક બૉલ ટેસ્ટ મેચ રમી, આ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ 112 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ, ભારતીય ટીમ પણ 145 રન પર સમેટાઇ ગઇ. આ પછી ઇંગ્લેન્ડ બીજી ઇનિંગમાં પણ 81 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. જોકે, ભારતે આ મેચ બીજી ઇનિંગમાં જીતી લીધી હતી. આમ ભારતીય ટીમે ત્રણમાંથી બે ડે-નાઇટ ટેસ્ટમાં જીત હાંસલ કરી છે અને એકમાત્ર ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો છે.