IND vs SL: શ્રેયસ અય્યરે વિસ્ફોટ ફોર્મ જારી રાખતાં સળંગ ત્રીજી T-20માં નોટઆઉટ અડધી સદી સાથે 45 બોલમાં અણનમ 73 રનનોંધાવીને ભારતને શ્રીલંકા સામેની ત્રીજી અને આખરી T-20માં છ વિકેટથી વિજય અપાવ્યો હતો. ભારતે આ સાથે શ્રીલંકાનો પણ T-20 શ્રેણીમાં વ્હાઈટવોશ કર્યો હતો. જ્યારે ભારતે T-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સતત 12 મેચ જીતવાના અફઘાનિસ્તાન-રોમાનિયાના રેકોર્ડની બરોબરી કરી લીધી હતી. રોહિતની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ સળંગ ચોથી વ્હાઈટબોલની અને સળંગ ત્રીજી T-20 શ્રેણી ક્લિન સ્વીપ કરી હતી.
અય્યરને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરિઝ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે શ્રીલંકા સામેની પ્રથમ T-20માં ૨28 બોલમાં અણનમ 57 અને બીજી T-20માં 44 બોલમાં અણનમ 74 રન નોંધાવ્યા હતા.
શ્રેયસ અય્યરની ઝંઝાવાતી બેટીંગ
કોહલીના સ્થાને ટીમમાં સમાવાયેલા શ્રેયસ અય્યરે શ્રીલંકા સામેની ત્રીજી T-20માં પણ શાનદાર બેટીંગ કરતાં અડધી સદી ફટકારી હતી. તેણે 45 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે અણનમ 73 રન કર્યા હતા.
આ શ્રેણીમાં શ્રીલંકાના બોલરો ભારતના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરને આઉટ કરી શક્યા ન હતા. ત્રીજી મેચમાં શ્રેયસ અય્યરે અણનમ 73 રન બનાવી ભારતને જીત અપાવી હતી. આ સાથે શ્રેયસ અય્યરે વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો. અય્યર ભારત માટે ત્રણ મેચની T20I શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે આ સિરીઝમાં ત્રણ ઇનિંગ્સમાં કુલ 204 રન બનાવ્યા છે.
વિરાટ કોહલીએ 2016માં ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાં 199 રન બનાવ્યા હતા. આ પહેલા કોહલીએ 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે 183 રન બનાવ્યા હતા.