ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા શનિવારે (7 જાન્યુઆરી) ટીમ ઈન્ડિયાની નવી પસંદગી સમિતિની જાહેરાત કરવામાં આવી છે. ફરી એકવાર ભૂતપૂર્વ ક્રિકેટર ચેતન શર્માને નવા મુખ્ય પસંદગીકાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. T20 વર્લ્ડ કપ 2022માં ખરાબ પ્રદર્શન બાદ BCCIએ સિલેક્શન કમિટીને હટાવી દીધી હતી, ત્યારબાદ નવી કમિટીની શોધ ચાલી રહી હતી. તે સમિતિના અધ્યક્ષ ચેતન શર્મા પણ હતા.






 


ટીમ ઈન્ડિયાની નવી પસંદગી સમિતિ
1. ચેતન શર્મા (ચેરમેન)
2. શિવ સુંદર દાસ
3. સુબ્રતો બેનર્જી
4. સલિલ અંકોલા
5. શ્રીધરન શરથ


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શનિવારે જાહેરાત કરી હતી કે સુલક્ષણા નાયક, અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપેની બનેલી ક્રિકેટ સલાહકાર સમિતિ દ્વારા નવી ઓલ ઇન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીની પસંદગી કરવામાં આવી છે. આ માટે લગભગ 600 અરજીઓ મળી હતી, ત્યારબાદ 11ની પસંદગી કરવામાં આવી હતી અને તે બધા માટે વ્યક્તિગત ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. અંતે, સલાહકાર સમિતિએ આ પાંચને વરિષ્ઠ પસંદગી સમિતિ માટે પસંદ કર્યા છે.






અગાઉની પસંદગી સમિતિના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયાને કોઈ મોટી સફળતા મળી ન હતી, એશિયા કપ, બે ટી-20 વર્લ્ડ કપમાં શરમજનક હાર સિવાય ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં મળેલી હારથી બધા પરેશાન થઈ ગયા હતા. આ દરમિયાન પસંદગી સમિતિ પર પણ સવાલો ઉઠ્યા હતા, જ્યારે ટી-20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો ત્યારે BCCIએ પસંદગી સમિતિને હટાવી દીધી હતી.


નોંધનીય છે કે ઘણા પૂર્વ ક્રિકેટરો મુખ્ય પસંદગીકાર અને પસંદગી સમિતિનો ભાગ બનવાની રેસમાં હતા. વેંકટેશ પ્રસાદ, અજીત અગરકર જેવા નામો પણ ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટરની રેસમાં સામેલ હતા. જોકે બધાના આશ્વર્ય વચ્ચે ચેતન શર્માને ફરીથી ચીફ સિલેક્ટરનું પદ સોંપવામાં આવ્યું છે.