નવી દિલ્હીઃ આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની સીરિઝની પ્રથમ વનડે રમાશે. વેસ્ટ ઇન્ડિઝ સામે શિખર ધવનના નેતૃત્વમાં ભારતીય ટીમની આકરી કસોટી થવાની છે. બેન સ્ટોક્સની અચાનક નિવૃત્તિ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત શેડ્યૂલની ચર્ચાઓ ઉઠી છે. પ્રથમ વન-ડે પોર્ટ ઓફ સ્પેનથી ભારતીય સમય અનુસાર સાંજે 7:00 વાગ્યે શરૂ થશે.
જાડેજાના ઘૂંટણમાં ઈજા થઈ હતી
વનડે સીરીઝની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયાને આંચકો લાગી શકે છે કારણ કે વાઇસ કેપ્ટન રવિન્દ્ર જાડેજા ઘૂંટણની ઈજાને કારણે રમશે કે નહી તેને લઇને શંકા છે. ટીમ મેનેજમેન્ટ ઈજાનું મૂલ્યાંકન કર્યા બાદ ડોક્ટરોની સલાહ લેશે. સંભવ છે કે જાડેજાને હવે વનડે શ્રેણી માટે આરામ આપવામાં આવી શકે છે. જો રવિન્દ્ર જાડેજા આઉટ થાય છે તો ભારતે સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર તરીકે યુઝવેન્દ્ર ચહલની સાથે પ્લેઈંગ ઈલેવનમાં અક્ષર પટેલની પસંદગી કરવી પડશે.
શિખર ધવન તેની કારકિર્દીમાં બીજી વખત કોઈ શ્રેણીમાં ભારતનું નેતૃત્વ કરવા જઈ રહ્યો છે કારણ કે નિયમિત કેપ્ટન રોહિત શર્માને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. તેના સિવાય મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીને પણ આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ટોચના ખેલાડીઓની ગેરહાજરીમાં નવા ખેલાડીઓને તક મળશે અને તેઓ આ શ્રેણીમાં પોતાના પ્રદર્શનથી ટીમમાં સ્થાન મજબૂત કરશે.
ધવન સાથે કોણ ઓપનિંગ કરશે?
શ્રેણીની પ્રથમ મેચમાં ધવન સાથે કોણ ઇનિંગ્સની શરૂઆત કરે છે તે જોવું રસપ્રદ રહેશે. શુભમન ગિલ ટીમમાં પાછો ફર્યો છે. તે ધવન સાથે લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન બનાવશે. પરંતુ ટીમમાં રહેલા ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ પણ ઓપનિંગની રેસમાં છે.
શ્રેયસ-સંજુને એક તક મળશે
ટીમ મેનેજમેન્ટે મિડલ ઓર્ડરમાં ખેલાડીઓની પસંદગી માટે થોડો પ્રયાસ કરવો પડશે, શાનદાર ફોર્મમાં રહેલા દીપક હુડા ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવી શકે છે અને સૂર્યકુમાર યાદવની પણ પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટે નક્કી કરવું પડશે કે શ્રેયસ ઐય્યર અને સંજુ સેમસન વચ્ચે પસંદગી કોની કરવી.
હાર્દિકની ગેરહાજરીમાં શાર્દુલ ઠાકુર ભારત માટે ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરનો વિકલ્પ હશે. પિચ સ્પિનરોને મદદ કરશે તેવી અપેક્ષા છે અને આવી સ્થિતિમાં યુઝવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજા ત્રણેય મેચમાં રમી શકે છે. ત્રીજા સ્પિનર તરીકે અક્ષર પટેલનો વિકલ્પ છે.
અર્શદીપ સિંહ ડેબ્યૂ કરી શકે છે
અર્શદીપ સિંહ આજની મેચમાં વન-ડેમાં ડેબ્યૂ કરી શકે છે. પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજ મુખ્ય બોલર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં હશે.
વિન્ડીઝનું ખરાબ પ્રદર્શન
બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝનું તાજેતરનું પ્રદર્શન સારું રહ્યું નથી. બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાં તેને 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓલરાઉન્ડર જેસન હોલ્ડરની વાપસી થઇ છે.