India vs West Indies 1st Test Day 2 Highlights: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ડોમિનિકા ટેસ્ટનો બીજો દિવસ પણ ભારતીય ટીમના નામે રહ્યો હતો. પ્રથમ દિવસે વેસ્ટ ઇન્ડિઝની ટીમને 150 રનમાં આઉટ કર્યા બાદ બીજા દિવસની રમતના અંતે ભારતે પ્રથમ દાવના આધારે 162 રનની લીડ મેળવી હતી. ભારત તરફથી બીજા દિવસે કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી. દિવસના અંતે ભારતીય ટીમે તેના પ્રથમ દાવમાં 2 વિકેટના નુકસાન પર 312 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ 143 અને વિરાટ કોહલી 36 રન બનાવીને અણનમ રહ્યા હતા.






યશસ્વી અને રોહિતની સદી


બીજા દિવસના પ્રથમ સત્રની રમતમાં ભારતીય ટીમના બંને ઓપનિંગ બેટ્સમેનોએ કાળજીપૂર્વક દાવને આગળ ધપાવ્યો હતો. બંન્ને ટીમને 100 રનના સ્કોરથી આગળ લઈ ગયા હતા હતી. આ દરમિયાન યશસ્વી જયસ્વાલે પણ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પ્રથમ અડધી સદી પૂરી કરી હતી. આ સાથે જ કેપ્ટન રોહિત શર્માએ પણ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 15મી અડધી સદી પૂરી કરી હતી.  જ્યારે લંચ સમયે રમત રોકવામાં આવી ત્યારે ભારતીય ટીમનો સ્કોર કોઈ પણ નુકસાન વિના 146 રન હતો. ભારતે પ્રથમ સેશનમાં કુલ 66 રન બનાવ્યા હતા.


લંચ પછી બીજા સત્રની શરૂઆત સાથે રોહિત અને યશસ્વીએ સ્કોરને ઝડપથી આગળ વધાર્યો હતો. યશસ્વી જયસ્વાલે પોતાની ડેબ્યુ ટેસ્ટમાં સદી ફટકારીને એક ખાસ ક્લબમાં સામેલ થયો હતો. આ સાથે જ કેપ્ટન રોહિત અને યશસ્વી વચ્ચે પ્રથમ વિકેટ માટે 200 રનની ભાગીદારી થઇ હતી.


રોહિત શર્માએ પણ પોતાની 10મી ટેસ્ટ સદી પૂરી કરી હતી. જોકે તે 103 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારતીય ટીમને આ મેચમાં 229ના સ્કોર પર પહેલો ઝટકો લાગ્યો હતો. નંબર-3 પર બેટિંગ કરવા ઉતરેલો શુભમન ગિલ માત્ર 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બીજા સેશનના અંતે ભારતીય ટીમનો સ્કોર 2 વિકેટના નુકસાને 245 રન હતો.


દિવસના છેલ્લા સેશનમાં યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝના બોલરોને વાપસી કરવાની કોઈ તક આપી ન હતી. સાવચેતીપૂર્વક બેટિંગ કરતા બંનેએ ત્રીજી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી હતી. દિવસની રમતના અંતે સ્કોર 312 રન પર પહોંચી ગયો છે. પ્રથમ દાવના આધારે ભારત પાસે હવે 162 રનની લીડ છે. યશસ્વી 143 અને વિરાટ 36 રન બનાવીને રમી રહ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી બીજા દિવસે અથનાજે અને વોરિકને 1-1 વિકેટ લીધી હતી.