IND vs ZIM 4th T20I: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની T20 સીરીઝની ચોથી મેચ આજે એટલે કે 13 જુલાઈ શનિવારના રોજ રમાશે. શ્રેણીમાં 2-1થી આગળ ચાલી રહેલી ટીમ ઈન્ડિયા ચોથી મેચમાં બદલાયેલી દેખાઈ શકે છે. કેપ્ટન શુભમન ગિલે અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચોની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર કર્યા છે. આવી સ્થિતિમાં આશા છે કે આજે ચોથી T20માં પણ તુષાર દેશપાંડેના રૂપમાં ટીમના પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર થઈ શકે છે.


 






તુષાર દેશપાંડે ઝિમ્બાબ્વે સામેની શ્રેણીની ચોથી T20માં ડેબ્યૂ કરી શકે છે. અત્યાર સુધી અભિષેક શર્મા અને રેયાન પરાગ જેવા ખેલાડીઓ આ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરી ચૂક્યા છે. IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમનાર તુષાર દેશપાંડે પણ આ સીરીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મુકી શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે શુભમન ગિલ ચોથી T20ની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરે છે કે નહીં.


ચોથી T20માં આવેશ ખાન અથવા ખલીલ અહેમદની જગ્યાએ તુષાર દેશપાંડેને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. ખલીલ અત્યાર સુધી અંદર- બહાર થતો રહ્યો છે. ખલીલ પ્રથમ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો. આ પછી તેને બીજી ટી20માં બેન્ચ પર રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્રીજી ટી20માં ખલીલ ફરી એકવાર પ્લેઈંગ ઈલેવનમાં પ્રવેશ્યો. મુકેશ કુમારને ત્રીજી ટી20માં બેન્ચ પર રાખવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં ખલીલ અહેમદની જગ્યાએ તુષાર દેશપાંડે પોતાની ડેબ્યૂ મેચ રમી શકે છે.


તુષાર દેશપાંડેએ IPL 2024માં કમાલ કરી હતી


IPL 2024માં શાનદાર પ્રદર્શનના આધારે તુષારને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. ચેન્નાઈના ફાસ્ટ બોલરે સિઝનની 13 મેચમાં 24.94ની એવરેજથી 17 વિકેટ લીધી હતી.


ઝિમ્બાબ્વે સામેની ચોથી T20માં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન


શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, રૂતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, તુષાર દેશપાંડે.