India Tour of Zimbabwe 2022: વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે. ભારતનો ઝિમ્બાબ્વે (Zimbabwe) પ્રવાસ 18 ઓગસ્ટથી શરૂ થશે. ભારતની B ટીમ આ પ્રવાસ પર જશે. શિખર ધવનને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો કે આ પ્રવાસની શરૂઆત પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડે મોટો નિર્ણય લીધો છે.
ટીમ ઈન્ડિયાનો (Team India) સ્ટાર ઓપનર કેએલ રાહુલ મેચ માટે ફિટ થઈ ગયો છે. તેથી હવે કેએલ રાહુલ (KL Rahul) ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની આગેવાની કરશે. અગાઉ રાહુલની ફિટનેસ પર શંકા હતી અને તે રમી શકશે કે નહી તે અંગે પણ પ્રશ્નાર્થ હતો. આ સ્થિતિમાં ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણીમાં ધવનને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે કેએલ રાહુલ ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો ભાગ નહોતો. આ પ્રવાસમાં તેની પસંદગી કરવામાં આવી ન હતી. જોકે હવે તે હવે ફિટ છે અને કેએલ રાહુલને ટીમમાં સામેલ કરીને કેપ્ટનશિપ આપવામાં આવી છે. ભારતે ઝિમ્બાબ્વે પ્રવાસ પર ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે.
તમામ મેચ હરારે ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશેઃ
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ વનડે મેચ 18 ઓગસ્ટે રમાશે. તો બીજી ODI 20 ઓગસ્ટે રમાશે જ્યારે છેલ્લી ODI 22 ઓગસ્ટે રમાશે. આ શ્રેણીની તમામ મેચ હરારે ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારત અને ઝિમ્બાબ્વે શ્રેણીની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 12.45 વાગ્યે શરૂ થશે. આ સીરીઝમાં રાહુલ ત્રિપાઠી અને વોશિંગ્ટન સુંદર જેવા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.
ઝિમ્બાબ્વે સામેની શ્રેણી માટે ભારતીય ટીમઃ- કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, અવેશ ખાન , પ્રખ્યાત કૃષ્ણા, મોહમ્મદ સિરાજ અને દીપક ચાહર.