IND vs ZIM 1st T20I Predicted Playing XI: આજથી ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાનારી પાંચ મેચોની T20 સીરીઝની પ્રથમ મેચ આજે એટલે કે 06 જુલાઈ શનિવારના રોજ રમાશે. ટી20 વર્લ્ડકપ 2024ના સમાપ્ત થયા પછી મેન ઇન બ્લૂની આ પ્રથમ સીરીઝ છે. જો કે, આ સીરીઝમાં તમને ટીમ ઈન્ડિયામાં મોટાભાગે નવા અને યુવા ચહેરાઓ જોવા મળશે, જેનો કેપ્ટન શુભમન ગીલ છે. આવી સ્થિતિમાં ઝિમ્બાબ્વે સામેની પ્રથમ ટી20માં ભારતની પ્લેઈંગ ઈલેવન પણ ઘણી રસપ્રદ બની શકે છે.
આજે, કેટલાક ખેલાડીઓ ઝિમ્બાબ્વે સામેની પ્રથમ ટી20માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ પણ કરી શકે છે, જેમાં અભિષેક શર્મા, રિયાન પરાગ અને હર્ષિત રાણાનો સમાવેશ થાય છે. આ ત્રણેય ખેલાડીઓએ IPL 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જાણીએ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.
ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન
ટી20 વર્લ્ડકપ જીત્યા બાદ સીનિયર અને દિગ્ગજ એવા બે ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ પછી હવે ભારતને નવા ઓપનરોની શોધ છે. આજની ઝિમ્બાબ્વે સામેની ટી20માં ઓપનિંગ કોણ કરશે તેના અંગે ખુબ ચર્ચા થઇ રહી છે. આજની મેચમાં ઋતુરાજ ગાયકવાડ અને અભિષેક શર્મા પ્રથમ ટી20માં ઓપનિંગમાં જોવા મળી શકે છે. શુભમન ગીલ ત્રીજા નંબર પર રમી શકે છે. અભિષેક ટીમ માટે શાનદાર ઓપનર સાબિત થઈ શકે છે. અભિષેકે IPLમાં હૈદરાબાદ માટે શાનદાર બેટિંગ કરીને બધાના દિલ જીતી લીધા હતા.
ત્યારે રાજસ્થાન રૉયલ્સ તરફથી રમનાર રિયાન પરાગ ચોથા નંબર પર આવી શકે છે. 2024ની આઈપીએલ પરાગ માટે શાનદાર હતી. તે ટૂર્નામેન્ટમાં ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. પરાગે 573 રન બનાવ્યા હતા. આગળ વધીને વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્મા પાંચમા નંબર પર જોવા મળી શકે છે.
આ પછી રિન્કુ સિંહ છઠ્ઠા નંબર પર આવી શકે છે, જે ફિનિશરની ભૂમિકા ભજવે છે, જ્યારે ઓલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર સાતમા નંબર પર આવી શકે છે. સુંદર અને રિંકુના નંબરોમાં પણ ફેરફાર થઈ શકે છે.
આવો હોઇ શકે છે બૉલિંગ ડિપાર્ટમેન્ટ
ટીમ ત્રણ પેસર સાથે મેદાનમાં ઉતરી શકે છે. ઝડપી બોલરોની યાદીમાં અવેશ ખાન, ડાબોડી ખલીલ અહમ અને KKR તરફથી રમતા હર્ષિત રાણાનો સમાવેશ થઈ શકે છે. પેસરોની આ ત્રણેય સાથે રવિ બિશ્નોઈને મુખ્ય સ્પિનર તરીકે રાખી શકાય છે, જેને વોશિંગ્ટન સુંદરનો ટેકો મળશે.
પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ XI
શુભમન ગીલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિયાન પરાગ, જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અવેશ ખાન, ખલીલ અહેમદ, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ.