IND W vs ENG W T20 Live: મહિલા ટી-20 વર્લ્ડકપમાં ભારતને મળી પ્રથમ હાર, ઇગ્લેન્ડે 11 રનથી હરાવ્યું

દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા મહિલા T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઇ રહી છે

gujarati.abplive.com Last Updated: 18 Feb 2023 09:45 PM
ભારતને મહિલા ટી-20 વર્લ્ડકપમાં મળી પ્રથમ હાર

પોર્ટ એલિઝાબેથમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાનો 11 રનથી પરાજય થયો હતો. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં સાત વિકેટે 151 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં પાંચ વિકેટે 140 રન જ બનાવી શકી હતી.





સ્મૃતિ મંધાના આઉટ

 સ્મૃતિ મંધાના અડધી સદી ફટકાર્યા બાદ  આઉટ થઈ ગઈ છે. મંધાના સિક્સર ફટકારવાના પ્રયાસમાં પેવેલિયન પરત ફરી હતી. મંધાનાએ 41 બોલમાં 52 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં સાત ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી.

ભારતને જીતવા 152 રનનો ટાર્ગેટ મળ્યો

ભારતે પડકારજનક ટાર્ગેટ મળ્યો

ભારત સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 20 ઓવરમાં સાત વિકેટે 151 રન બનાવ્યા હતા. તેણે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રેણુકા સિંહ ઠાકુરે ભારત માટે ઘાતક બોલિંગ કરી અને ચાર ઓવરમાં 15 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.  ઇંગ્લેન્ડ તરફથી અનુભવી બેટ્સમેન નતાલી સાયવરે સૌથી વધુ 50 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડને ત્રીજો ઝટકો લાગ્યો

રેણુકા સિંહ ઠાકુરે ઈંગ્લેન્ડની ટીમને ત્રીજો ઝટકો આપ્યો હતો. તેણે ઇનિંગ્સની પાંચમી ઓવરના ચોથા બોલ પર સોફિયા ડંકલીને ક્લીન બોલ્ડ કરી હતી. ડંકલીએ 11 બોલમાં 10 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે પાંચ ઓવરમાં ત્રણ વિકેટે 29 રન બનાવ્યા છે. 

ભારતને મળી બે સફળતા

ઈંગ્લેન્ડને બીજો ફટકો

રેણુકા સિંહ ઠાકુરને સતત બીજી ઓવરમાં સફળતા મળી હતી. તેણે ઇનિંગની ત્રીજી ઓવરમાં એલિસ કેપ્સીને ક્લીન બોલ્ડ કરી હતી.  કેપ્સીએ છ બોલમાં ત્રણ રન બનાવ્યા હતા. તેના આઉટ થયા બાદ અનુભવી ખેલાડી નતાલી સાયવર ક્રિઝ પર આવી છે.  ઈંગ્લેન્ડે બે વિકેટે 10 રન બનાવ્યા છે.

ભારતને પ્રથમ સફળતા મળી

રેણુકા સિંહ ઠાકુરે પ્રથમ ઓવરમાં ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે ત્રીજા બોલ પર ઈંગ્લેન્ડના ઓપનર ડેનિયલ યાટને આઉટ કરી હતી. ડેનિયલ માત્ર એક જ બોલ રમી આઉટ થઇ હતી. તે ખાતું ખોલાવી શકી ન હતી.

બ્રેકગ્રાઉન્ડ

દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા મહિલા T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઇ રહી છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો ભારતીય ટીમ આ મેચ જીતી જશે તો તે સીધી સેમિફાઈનલમાં પહોંચી જશે. હરમને ટીમમાં એક ફેરફાર કર્યો છે. દેવિકા વૈદ્યની જગ્યાએ શિખા પાંડેને સ્થાન મળ્યું છે.


ટીમ ઈન્ડિયાની નજર ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત પર છે. તેણે પ્રથમ મેચમાં પાકિસ્તાન અને બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. ભારત બે મેચમાં ચાર પોઈન્ટ સાથે ગ્રુપમાં બીજા ક્રમે છે. ઈંગ્લેન્ડે પણ બે મેચમાં બે મેચ જીતી છે. સારા રનરેટના કારણે તે પ્રથમ સ્થાન પર છે.


ભારત કે ઇંગ્લેન્ડ... હેડ ટૂ હેડ રેકોર્ડ - 
આ મેચમાં ઇંગ્લેન્ડનું પલડુ ભારે રહી શકે છે, કેમ કે ઓવરઓલ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇંગ્લિશ મહિલા ટીમ ભારતીય મહિલા ટીમ પર હાવી રહી છે. બન્નેના હાર જીતના આંકડા પર એક નજર કરીએ તો બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 26 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમાઇ છે, અહીં ઇંગ્લેન્ડે 19 મેચોમાં જીત હાંસલ કરી છે, તો ભારતના ખાતામાં માત્ર 7 જીત જ આવી છે. હાલ ઇંગ્લિશ મહિલા ટીમ જબરદસ્ત લયમાં છે, તો ભારતીય ટીમ પણ ફૉર્મમાં દેખાઇ રહી છે. હવે કોઇ બાજી મારે છે, તે જોવાનુ રહ્યુ.


ભારતીય ટીમ જીતી ચૂકી છે આ વર્ષે પહેલો આઇસીસી વર્લ્ડકપ - 
આ વર્ષે રમાયેલા આઇસીસી અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપ પર ભારતીય મહિલા ટીમે કબજો જમાવી દીધો, અને ઇતિહાસનો પહેલો મહિલા વર્લ્ડકપ શેફાલી વર્માની આગેવાનીમાં ભારતીય ટીમે હાંસલ કર્યો છે. 


ટીમ ઈન્ડિયા હાલમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. તાજેતરમાં અંડર-19ની કેપ્ટન શેફાલી વર્મા આ યાદીમાં સૌથી આગળ છે. આ સમયે તેના સિવાય બીજો કોઈ ખતરનાક ઓપનિંગ બેટ્સમેન નથી. તેણે 51 ટી20માં 48 સિક્સર ફટકારી છે અને તેનો સ્ટ્રાઈક રેટ 134.53 છે. આ સાથે અનુભવી સ્મૃતિ મંધાના પણ ઝડપી રન બનાવવામાં માહિર છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.