IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે 'હાથ નહીં મિલાવવા'ના વિવાદે એક નવો વળાંક લીધો છે. આ વિવાદ લાંબો સમય ચાલી શકે છે, કારણ કે ભારતીય ટીમે સુપર 4 મેચ જીત્યા પછી પણ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો નથી. અગાઉ ટોસ દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સલમાન આગા સાથે હાથ મિલાવ્યો ન હતો. તિલક વર્મા અને હાર્દિક પંડ્યાએ બંને ઓન-ફિલ્ડ અમ્પાયરો સાથે હાથ મિલાવ્યો અને પછી ડ્રેસિંગ રૂમમાં ગયા હતા.
તિલક વર્માએ શાહીન આફ્રિદીના બોલ પર ફોર ફટકારીને ભારતનો 6 વિકેટથી વિજય સુનિશ્ચિત કર્યો હતો. ગ્રુપ મેચમાં જ્યારે ભારત અને પાકિસ્તાન એકબીજા સામે હતા, ત્યારે 7 વિકેટની જીત પછી સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે સીધા ડ્રેસિંગ રૂમમાં જતા રહ્યા હતા. સુપર 4 મેચમાં ભારતીય ખેલાડીઓએ તેમની નીતિ ચાલુ રાખી અને પાકિસ્તાની ખેલાડીઓને સંપૂર્ણપણે અવગણ્યા હતા.
'ગન સેલિબ્રેશન'નો બદલો
આ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 171 રન બનાવ્યા હતા. આ મુખ્યત્વે સાહિબજાદા ફરહાનની અડધી સદીની ઇનિંગને કારણે થયું, જેમણે 58 રન બનાવ્યા હતા. વાસ્તવમાં 50 રન પર કર્યા પછી ફરહાને બંદૂકની જેમ બેટ પકડીને પોતાની અડધી સદીની ઉજવણી કરી હતી. કેટલાક પાકિસ્તાની ચાહકોએ તો તેની ઉજવણીને ઓપરેશન સિંદૂર સાથે જોડવાનું શરૂ કર્યું હતું.
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ગ્રુપ સ્ટેજ મેચ પછી કહ્યું કે હાથ ન મિલાવવાનો નિર્ણય ટીમનો હતો, વ્યક્તિગત નહીં. પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવીને ભારતીય ટીમે "ગન સેલિબ્રેશન" નો જવાબ આપ્યો હતો.
ભારતનો 6 વિકેટથી વિજય
સુપર 4 તબક્કામાં બંને ટીમો વચ્ચેનો આ પહેલો મુકાબલો હતો. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 171 રન બનાવ્યા હતા. પાકિસ્તાની બેટ્સમેનોએ બચાવ કરી શકાય તેવો કુલ સ્કોર બનાવ્યો હતો પરંતુ પાવરપ્લેમાં અભિષેક શર્મા અને શુભમન ગિલની વિસ્ફોટક બેટિંગે ભારતને જીત અપાવી દીધી હતી. ભારતીય ટીમ ફક્ત નવ ઓવરમાં જ 100 રનનો આંકડો વટાવી ચૂકી હતી. અભિષેક શર્માએ 74 રન અને શુભમન ગિલે 47 રન બનાવ્યા હતા.