India all rounder Rishi Dhawan:  ભારતીય ક્રિકેટર ઋષિ ધવને વન-ડે અને ટી-20 ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નિવૃતિ જાહેર કરી હતી. ઋષિ ધવન 9 વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર હતો. તેણે તેની છેલ્લી વન-ડે અને ટી-20 મેચ પણ 2016માં જ રમી હતી. ઋષિ ધવને IPLમાં સતત સારુ પ્રદર્શન કર્યું છે. તે 10 વર્ષથી પંજાબ કિંગ્સનો ભાગ હતો. પરંતુ આઇપીએલ 2025માં કોઇ પણ ટીમે ખરીદ્યો નહોતો.






ઋષિ ધવને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “હું ભારે મન સાથે ભારતીય ક્રિકેટ (લિમિટેડ ઓવર)માંથી નિવૃત્તિ જાહેર કરું છું. જોકે મને તેનો કોઈ અફસોસ નથી. આ એક એવી રમત છે જેણે છેલ્લા 20 વર્ષથી મારા જીવનને પરિભાષિત કર્યું છે. આ રમતે મને અપાર ખુશી અને અસંખ્ય યાદો આપી છે જે હંમેશા મારા હૃદયની ખૂબ નજીક રહેશે.


ધવને આગળ લખ્યું હતું કે, “ હું ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI), હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (HPCA), પંજાબ કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા મને આપવામાં આવેલી તકો માટે આભાર વ્યક્ત કરવા માંગુ છું. “ એક સાધારણ શરૂઆતથી લઇને સૌથી મોટા મંચો પર દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. ક્રિકેટ મારું ઝનૂન રહ્યું છે.


નોંધનીય છે કે ધવને 134 લિસ્ટ A મેચોમાં 29.74ની એવરેજથી 186 વિકેટ લીધી છે અને 38.23ની એવરેજથી 2906 રન બનાવ્યા છે. જેમાં એક સદીનો પણ સમાવેશ થાય છે. 135 T20માં તેણે 26.44ની એવરેજ અને 7.06ના ઈકોનોમી રેટથી 118 વિકેટ લીધી અને 121.33ના સ્ટ્રાઈક રેટથી 1740 રન બનાવ્યા હતા. ઋષિ ભારત માટે બહુ ઓછી મેચ રમ્યો છે. તેણે ભારતીય ટીમ માટે કુલ 3 વન-ડે અને એક ટી-20 મેચ રમી છે. દરમિયાન તેણે અનુક્રમે 1 અને 1 વિકેટ લીધી છે.


તેણે જાન્યુઆરી 2016માં એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. તે જ વર્ષે ઝિમ્બાબ્વે સામે તેની પ્રથમ અને એકમાત્ર ટી-20 મેચ રમી હતી. તેનું આંતરરાષ્ટ્રીય કરિયર લાંબું ચાલ્યું નહીં, પરંતુ સ્થાનિક ક્રિકેટ અને આઈપીએલમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.