World Cup 2023 Final: ઓસ્ટ્રેલિયાએ બીજી સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવ્યું છે. આ રીતે પેટ કમિન્સના નેતૃત્વમાં કાંગારૂ ટીમ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. વર્લ્ડકપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો કરવો પડશે. બંને ટીમો વચ્ચે 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. જો કે, રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ 20 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલી હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે.


ટીમ ઈન્ડિયાને 20 વર્ષ પહેલા મળી હતી હાર


વાસ્તવમાં, વર્લ્ડ કપ 2003ની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામસામે હતા. પરંતુ સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ભારતને 125 રનથી હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 2 વિકેટે 359 રન બનાવ્યા હતા. આ રીતે ભારતને જીતવા માટે 360 રનનો ટાર્ગેટ હતો, પરંતુ ટીમ ઈન્ડિયા 39.2 ઓવરમાં 234 રન સુધી જ સિમિત રહી ગઈ હતી. આ મેચમાં 140 રનની અણનમ ઇનિંગ રમનાર કાંગારૂ કેપ્ટન રિકી પોન્ટિંગને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, ભારત માટે વીરેન્દ્ર સેહવાગે 81 બોલમાં સૌથી વધુ 82 રન બનાવ્યા હતા.


આ વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી વખત આમને સામને થશે


આ પછી વર્લ્ડકપ 2011માં ભારત અને ઓસ્ટ્રેલિયા સામસામે હતા. એ વખતે ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. તે જ સમયે, વર્લ્ડ કપ 2015 સેમિફાઇનલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારીને બહાર થઈ ગઈ હતી. પરંતુ વર્લ્ડકપ 2019માં ભારતીય ટીમે ફરી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ભારતીય ટીમે તેના 2023 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ રીતે વર્લ્ડ કપ 2023માં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી વખત આમને સામને થશે.


સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની ભૂંડી હાર


ઓસ્ટ્રેલિયાએ 2023 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા  દક્ષિણ આફ્રિકાએ ડેવિડ મિલરની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે કાંગારુઓએ સાત વિકેટ ગુમાવીને માત્ર 47.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. 


બોલરોના જોરદાર પ્રદર્શન બાદ ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડે માત્ર 48 બોલમાં 62 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હેડે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. વોર્નરે પણ 18 બોલમાં એક ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 29 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ બંનેએ માત્ર 37 બોલમાં 60 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરીને ઓસ્ટ્રેલિયા માટે રન ચેઝને સરળ બનાવી દીધો હતો. જોકે, અંતે પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્કે ટીમને જીત તરફ દોરી હતી. સ્ટાર્ક 38 બોલમાં 16 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો અને કમિન્સ 29 બોલમાં 14 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ 8મી વખત ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. હવે 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાંગારૂ ટીમ ઈન્ડિયા સામે ફાઈનલ મેચ રમશે.