IND vs ENG 2nd ODI Match Report : કટકમાં રમાયેલી બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમની જીતનો સૌથી મોટો હીરો રોહિત શર્મા રહ્યો, જેણે 90 બોલમાં 119 રનની શાનદાર અને યાદગાર ઇનિંગ રમી હતી.  તેના સિવાય શુભમન ગિલે પણ અડધી સદીની ઇનિંગ રમીને ટીમની જીતમાં મોટો ફાળો આપ્યો હતો.


કટકના બારાબતી મેદાનમાં રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરીને 304 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટ અને બેન ડકેટે અડધી સદી ફટકારી હતી જ્યારે છેલ્લી ઓવરોમાં લિયામ લિવિંગસ્ટોને પણ 41 રનની શાનદાર ઈનિંગ રમીને પોતાની ટીમના સ્કોરને 300 રનથી આગળ લઈ જવામાં મોટી ભૂમિકા ભજવી હતી.


ભારતે આ મેચ 4 વિકેટે જીતી લીધી હતી


305 રનના મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે રોહિત શર્મા અને શુભમન ગીલે ટીમને તોફાની શરૂઆત અપાવી હતી. બંનેએ મળીને માત્ર 15 ઓવરમાં જ ટીમનો સ્કોર 114 સુધી પહોંચાડ્યો હતો. રોહિત અને ગિલ વચ્ચે 136 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. વાસ્તવમાં, રોહિત અને ગિલે ભારતની જીતનો પાયો નાખ્યો હતો. વિરાટ કોહલી ફરી એકવાર મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હતો અને માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો.


શ્રેયસ અય્યરે છેલ્લી મેચમાં ફિફ્ટી ફટકારી હતી અને કટકમાં 44 રન બનાવ્યા બાદ તે પણ ક્રિઝ પર સેટ થયો હતો, પરંતુ અક્ષર પટેલ સાથે સંકલનના અભાવે રનઆઉટ થયો હતો. રવિંદ્ર જાડેજાએ આ મેચમાં ત્રણ વિકેટ ઝડપી શાનદાર પ્રદર્શન કર્યું હતું. 


ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલો વિરાટ કોહલી ફરી એકવાર ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર આઉટ થયો હતો. આદિલ રાશિદે તેને શિકાર બનાવ્યો હતો. તે માત્ર પાંચ રન બનાવી શક્યો હતો. આ પછી શ્રેયસ અય્યરે કમાન સંભાળી. તેણે હિટમેન સાથે ત્રીજી વિકેટ માટે પાર્ટનરશિપ કરી હતી. આ દરમિયાન ભારતીય કેપ્ટને 76 બોલમાં પોતાની 32મી સદી ફટકારી હતી. તે 90 બોલમાં 12 ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 119 રનની શાનદાર ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. તે ઇનિંગ્સની 30મી ઓવરમાં આદિલ રશીદના હાથે લિયામ લિવિંગસ્ટોનના હાથે કેચ આઉટ થયો હતો.


ઈંગ્લેન્ડ સામે શ્રેયસ અય્યરે 44, હાર્દિક પંડ્યાએ 10, અક્ષર પટેલે 41* અને રવિન્દ્ર જાડેજાએ 11* રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જેમી ઓવરટને બે જ્યારે ગુસ એટકિન્સન, આદિલ રશીદ અને લિયામ લિવિંગસ્ટોને એક-એક વિકેટ લીધી હતી.