IND vs IRE: 2024 T20 વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ આયરલેન્ડને 8 વિકેટથી હરાવ્યું છે. આયર્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને માત્ર 96 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 13મી ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 37 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. જ્યારે રિષભ પંત 26 બોલમાં 36 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. જ્યારે બોલિંગમાં હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહને બે-બે સફળતા મળી છે.


 




ભારતે આયર્લેન્ડને 8 વિકેટે હરાવ્યું છે. વિરાટ કોહલીના વહેલા આઉટ થયા બાદ ટીમ ઈન્ડિયાએ રોહિત શર્મા અને ઋષભ પંત વચ્ચેની શાનદાર ભાગીદારીના કારણે T20 વર્લ્ડ કપ 2024માં જીત સાથે તેના અભિયાનની શરૂઆત કરી હતી. રોહિત શર્માએ આ મેચમાં 37 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી, પરંતુ ખભામાં દુખાવો થવાને કારણે તે આઉટ થયા વિના જ મેદાન છોડી ગયો હતો. પ્રથમ રમતી વખતે આયર્લેન્ડ 96 રનના સ્કોર સુધી મર્યાદિત હતું, જેના માટે ગેરેથ ડેલાનીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. ડેલાનીએ 14 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ભારતીય ટીમ ટાર્ગેટનો પીછો કરવા આવી ત્યારે તેણે 46 બોલ બાકી રહેતા વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી.


97 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી હતી કારણ કે ટીમે માત્ર 2 ઓવરમાં 22 રન બનાવી લીધા હતા. પરંતુ ત્રીજી ઓવરના ચોથા બોલ પર વિરાટ કોહલી મોટો શોટ રમવાના પ્રયાસમાં આઉટ થયો, કોહલી માત્ર 1 રન બનાવી શક્યો. કોહલીના આઉટ થયા બાદ, જો કે પાવરપ્લે ઓવરોમાં ભારતે એકપણ વિકેટ ગુમાવી ન હતી, પરંતુ બોલની મુવમેન્ટે કારણે રિષભ પંત અને રોહિત શર્માને મુશ્કેલીમાં મૂક્યા હતા. પ્રથમ 6 ઓવરમાં ટીમે 1 વિકેટના નુકસાન પર 39 રન બનાવ્યા હતા. આ દરમિયાન, 9મી ઓવરમાં 'હિટમેને' 2 જોરદાર સિક્સર ફટકારીને શાનદાર કમબેક કર્યું હતુંઅને 36 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. ભારતે 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 76 રન બનાવ્યા હતા અને ટીમને જીતવા માટે હજુ 60 બોલમાં 21 રનની જરૂર હતી. આ દરમિયાન, 11મી ઓવરની શરૂઆત પહેલા, રોહિત શર્મા ખભાના દુખાવાના કારણે રિટાયર થયો હતો અને ડગઆઉટમાં પાછો ફર્યો હતો. મેચ પૂરી કરવાનો પ્રયાસ કરતી વખતે સૂર્યકુમાર યાદવ વહેલો આઉટ થઈ ગયો હતો, પરંતુ રિષભ પંતે 13 ઓવરમાં સિક્સ ફટકારીને ભારતનો 8 વિકેટે વિજય સુનિશ્ચિત કર્યો હતો. રિષભ પંતે 26 બોલમાં 36 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.