india vs oman: એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં ભારતીય A ટીમે શાનદાર વાપસી કરી છે. પાકિસ્તાન સામેની હાર બાદ દબાણમાં આવેલી ભારતીય ટીમે નિર્ણાયક મુકાબલામાં ઓમાનને 6 વિકેટે હરાવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે. ગ્રુપ B માંથી પાકિસ્તાન બાદ ભારત સેમિફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ બની છે. જોકે, આ મેચમાં પણ યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશીનું બેટ શાંત રહ્યું હતું અને તે માત્ર 12 રન બનાવી શક્યો હતો, પરંતુ હર્ષ દુબેની અણનમ 53 રનની ઇનિંગે ભારતની લાજ રાખી લીધી હતી.

Continues below advertisement


ભારતીય બોલરોનો તરખાટ: ઓમાન 135 રનમાં સીમિત


ટોસ જીતીને ભારતીય કેપ્ટને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે સાચો સાબિત થયો. ઓમાન તરફથી વસીમ અલીએ લડાયક બેટિંગ કરતા અણનમ 54 રન બનાવ્યા હતા અને હમ્માદ મિર્ઝાએ 32 રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ ભારતીય બોલરો સામે ઓમાનનો અન્ય કોઈ બેટ્સમેન ટકી શક્યો નહોતો. ખાસ કરીને સ્પિનર સુયશ શર્માએ કમાલ કરતા 4 ઓવરમાં માત્ર 12 રન આપીને 2 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. ગુર્જપનીત સિંહે પણ 2 વિકેટ મેળવી હતી. ભારતીય બોલરોએ એટલી ચુસ્ત બોલિંગ કરી કે છેલ્લા 45 બોલમાં ઓમાન માત્ર 42 રન જ બનાવી શક્યું અને 5 વિકેટ ગુમાવી દીધી.


ટોપ ઓર્ડર ફરી નિષ્ફળ: વૈભવ સૂર્યવંશી માત્ર 12 રને આઉટ


136 રનના સામાન્ય લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ડગમગી ગઈ હતી. જેની પાસેથી મોટી આશાઓ હતી તે ઓપનર વૈભવ સૂર્યવંશી આ મહત્વની મેચમાં નિષ્ફળ ગયો અને માત્ર 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. તેનો સાથી ઓપનર પ્રિયાંશ આર્ય પણ 10 રન બનાવીને આઉટ થયો. મિડલ ઓર્ડરમાં નમન ધીરે સારી શરૂઆત કરી હતી, પરંતુ તે પોતાની ઇનિંગને 30 રનથી આગળ લઈ જઈ શક્યો નહીં, જેના કારણે ભારતીય છાવણીમાં થોડી ચિંતા પ્રસરી હતી.


હર્ષ દુબે બન્યો તારણહાર


જ્યારે વિકેટો પડી રહી હતી ત્યારે હર્ષ દુબેએ બાજી સંભાળી લીધી. તેણે જવાબદારીપૂર્વક બેટિંગ કરતા અણનમ 53 રન બનાવ્યા અને ભારતની જીત સુનિશ્ચિત કરી. પોતાની અડધી સદી દરમિયાન દુબેએ મેદાનની ચારે તરફ શોટ ફટકારતા 7 ચોગ્ગા અને 1 છગ્ગો લગાવ્યો હતો. તેને નેહલ વાઢેરાનો સારો સાથ મળ્યો, જેણે 23 રનનું યોગદાન આપ્યું.


કેપ્ટનનો વિજયી શોટ


અંતિમ ક્ષણોમાં કેપ્ટન જીતેશ શર્માએ મેદાનમાં આવીને આક્રમક અંદાજમાં ચોગ્ગો ફટકારીને ભારતને વિજય અપાવ્યો હતો. આ જીત સાથે જ ભારતે સેમિફાઇનલની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે અને હવે ટીમ ટ્રોફી જીતવાની દાવેદાર બની ગઈ છે.