IND vs NZ: મુંબઈમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારત સામે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી કિવી ટીમ 235 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન ન્યૂઝીલેન્ડ તરફથી ડેરિલ મિશેલે 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 82 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ સિવાય વિલ યંગે 71 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમ ઈન્ડિયા તરફથી રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ ઝડપી હતી જ્યારે વોશિંગ્ટન સુંદરે 4 વિકેટ ઝડપી હતી. બાકીની એક વિકેટ આકાશ દીપે લીધી હતી.
રવિન્દ્ર જાડેજા ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર 5મો બોલર બન્યો
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મુંબઈમાં રમાઈ રહી છે, જેમાં રવિન્દ્ર જાડેજાએ ઐતિહાસિક કારનામું કર્યું છે. તે હવે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારો પાંચમો ભારતીય બોલર બની ગયો છે. જાડેજાના નામે હવે 77 ટેસ્ટ મેચોમાં 312 વિકેટ છે અને તેણે સૌથી વધુ વિકેટ લેવાના મામલે ઈશાંત શર્મા અને ઝહીર ખાનને પાછળ છોડી દીધા છે.
મુંબઈ ટેસ્ટની શરૂઆત પહેલા રવિન્દ્ર જાડેજાએ 76 ટેસ્ટ મેચમાં 309 વિકેટ ઝડપી હતી. તેને ઈશાંત શર્મા અને ઝહીર ખાનનો રેકોર્ડ તોડવા માટે 3 વિકેટની જરૂર હતી. ઝહીર અને ઈશાંતે પોતપોતાની ટેસ્ટ કારકિર્દીમાં 311 વિકેટો લીધી હતી, તેથી ન્યુઝીલેન્ડ સામે ત્રણ બેટ્સમેનોને આઉટ કરીને, તેઓ સૌથી સફળ ભારતીય ટેસ્ટ બોલરોની યાદીમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ટેસ્ટમાં પાંચ સૌથી સફળ ભારતીય બોલર
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી સફળ ભારતીય બોલર હોવાનો ખિતાબ અનિલ કુંબલે પાસે છે, જેમણે પોતાની શાનદાર કારકિર્દીમાં કુલ 619 વિકેટ લીધી હતી અને 600 કે તેથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર એકમાત્ર ભારતીય બોલર છે. તેના પછી રવિચંદ્રન અશ્વિન બીજા સ્થાને છે, જેણે અત્યાર સુધી ટેસ્ટ મેચમાં 533 વિકેટ લીધી છે. જો અશ્વિન વધુ 2-3 વર્ષ ક્રિકેટ રમે તો તે ચોક્કસપણે કુંબલેનો રેકોર્ડ તોડી શકે છે.
ત્રીજા નંબર પર કપિલ દેવ છે, જેમણે પોતાની કારકિર્દીમાં 434 ટેસ્ટ વિકેટ લીધી હતી. કપિલ દેવ હજુ પણ ટેસ્ટ ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ઝડપી બોલર છે. તેના પછી હરભજન સિંહનો નંબર આવે છે, જેના નામે 417 વિકેટ છે. હવે પાંચમું સ્થાન રવિન્દ્ર જાડેજાના નામે થયું છે. જસપ્રીત બુમરાહ પણ આ પેઢીના ટોચના બોલરોમાંથી એક છે, જેણે અત્યાર સુધી 40 ટેસ્ટ મેચમાં 173 વિકેટ લીધી છે.
તમને જણાવી દઈએ કે, વર્તમાન શ્રેણીની પ્રથમ મેચ બેંગલુરુમાં રમાઈ હતી, જેમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમનો 8 વિકેટે પરાજય થયો હતો. ત્યારબાદ ન્યુઝીલેન્ડે પુણેમાં રમાયેલી સીરીઝની બીજી મેચ 113 રને જીતીને સીરીઝમાં અજેય લીડ મેળવી લીધી હતી. જો જોવામાં આવે તો કિવી ટીમ આ મેદાન પર પોતાની ચોથી ટેસ્ટ રમવા આવી છે. આ પહેલા ન્યૂઝીલેન્ડે જે ત્રણ મેચ રમી હતી તેમાં તેને એકમાં જીત અને બેમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો..