નવી દિલ્હીઃ કેવિન ઓ'બ્રાયનની અણનમ સદીની મદદથી ગુજરાત જાયન્ટ્સે ઇન્ડિયા કેપિટલ્સ સામેની પ્રથમ મેચમાં ત્રણ વિકેટથી જીત મેળવી હતી. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે ઈન્ડિયા કેપિટલ્સે જીતવા માટે 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ગુજરાત જાયન્ટ્સે સાત વિકેટે હાંસલ કરી લીધો હતો.






180 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત જાયન્ટ્સ ટીમે વિરેન્દ્ર સેહવાગ અને કેવિન ઓ બ્રાયનની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 40 રન બનાવ્યા હતા. સેહવાગે 10 બોલમાં 6 રન બનાવ્યા હતા. આ પછી બ્રાયનને પાર્થિવ પટેલનો સપોર્ટ મળ્યો. બંનેએ બીજી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી હતી. પાર્થિવને 24ના અંગત સ્કોર પર આઉટ કરીને ગુજરાત જાયન્ટ્સને બીજો ઝટકો આપ્યો હતો.


આ પછી કેવિન ઓ'બ્રાયને યશપાલ સિંહ સાથે ઈનિંગની કમાન સંભાળી હતી. યશપાલ 20 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે ઓ'બ્રાયને સિક્સ વડે સદી પૂરી કરી હતી. કેવિન ઓ બ્રાયન 106 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની મેરેથોન ઇનિંગ્સમાં 15 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. ઈન્ડિયા કેપિટલ્સ તરફથી પ્રવીણ તાંબેએ ત્રણ અને પ્લંકેટે બે વિકેટ ઝડપી હતી.


ઈન્ડિયા કેપિટલ્સે 7 વિકેટે 179 રન બનાવ્યા હતા


આ પહેલા પ્રથમ બેટિંગ કરતા ઈન્ડિયા કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 179 રન બનાવ્યા હતા. ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતીને ઇન્ડિયા કેપિટલ્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.  ઈન્ડિયા કેપિટલ્સની શરૂઆત સારી રહી ન હતી અને તેની ચાર વિકેટ માત્ર 34 રનમાં પડી ગઈ હતી. વિકેટકીપર દિનેશ રામદિને એશ્લે નર્સ સાથે ઈનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પણ 26 બોલમાં 31 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.


એશ્લે નર્સે 43 બોલમાં 103 રન બનાવીને અણનમ પરત ફર્યો


એશ્લે નર્સે 43 બોલમાં 8 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી અણનમ 103 રનની ઇનિંગ રમી હતી. ઈન્ડિયા કેપિટલ્સના છ બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. લિયામ પ્લંકેટે 14 બોલમાં 15 રન બનાવ્યા હતા જ્યારે ઓપનર મિરે 9 અને હેમિલ્ટન મસાકાડઝા 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. કેપ્ટન જેક કાલિસ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ગુજરાત જાયન્ટ્સ તરફથી થિસારા પરેરા, અપના અને આર એર્મિટે એક-એક વિકેટ લીધી હતી.