IND vs AUS 4th Test Day 3 Stumps: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2025-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયાના 474 રનના જવાબમાં ભારતીય ટીમે પણ મેચના ત્રીજા દિવસે સ્ટમ્પ સુધી 358/9 (116 ઓવર)નો સ્કોર બનાવી લીધો છે.


મોહમ્મદ સિરાજ (અણનમ 2) અને નીતિશ કુમાર રેડ્ડી (અણનમ 105) ક્રિઝ પર છે. રેડ્ડીએ આ ઇનિંગ દ્વારા પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. ભારત હાલમાં ઓસ્ટ્રેલિયાના સ્કોરથી 116 રન પાછળ છે. આ મેચની પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 474 રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથે 140 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે જસપ્રીત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.


ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સની હાઈલાઈટ્સ


રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ભારત માટે પ્રથમ દાવની શરૂઆત કરવા માટે આવ્યા હતા. પરંતુ રોહિત શર્મા દિવસની બીજી ઓવરમાં કાંગારૂ કેપ્ટન પેટ કમિન્સના બોલ પર આઉટ થયો. જ્યારે કેએલ રાહુલ યોગ્ય લયમાં હોય તેવું લાગતું હતું પરંતુ તે પણ પેટ કમિન્સના બોલથી બોલ્ડ થયો હતો.


આ પછી કોહલી અને યશસ્વીએ મળીને 102 રનની ભાગીદારી કરી હતી. પરંતુ તે પછી યશસ્વી જયસ્વાલ   82 રને રન આઉટ થયો હતો. આ પછી સ્કોરબોર્ડમાં વધુ એક રન ઉમેરાયો જ્યારે સ્કોટ બોલેન્ડે પીચ પર સેટલ થયેલા વિરાટ કોહલીને એલેક્સ કેરીના હાથે વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો. ત્યારબાદ નાઈટવોચમેન આકાશ દીપ (0) પણ બોલેન્ડના બોલ પર આઉટ થયો હતો. આ રીતે યશસ્વી, કોહલી અને આકાશ દીપની વિકેટ 6 રનમાં જ પડી ગઈ હતી. બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ભારતનો સ્કોર પાંચ વિકેટે 164 રન હતો.


ત્રીજા દિવસની રમતમાં રવિન્દ્ર જાડેજા અને ઋષભ પંતે સારી શરૂઆત કરી હતી અને કેટલાક સારા શોટ ફટકાર્યા હતા. જ્યારે એવું લાગતું હતું કે આ ભાગીદારી સ્થપાઈ છે ત્યારે ઋષભ પંત (28)એ તેની ધીરજ ગુમાવી દીધી અને રેમ્પ શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે તે સ્કોટ બોલેન્ડના બોલ પર થર્ડ મેન પર નાથન લાયન દ્વારા કેચ આઉટ થયો. ત્યારબાદ થોડા સમય બાદ જાડેજા પણ 17 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. લાયને જાડેજાને LBW કર્યો હતો. આ પછી નીતીશ રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરે 127 રનની શાનદાર ભાગીદારી કરી હતી, પરંતુ સુંદર (50) રન બનાવતાની સાથે જ આઉટ થઈ ગયો હતો. આ પછી બુમરાહ શૂન્ય પર આઉટ થયો હતો.


આ પણ વાંચો...


IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો