India in U19 Women's World Cup: આવતીકાલે પ્રથમ મહિલા અંડર-19 વર્લ્ડકપની ફાઇનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. આવતીકાલે (29 જાન્યુઆરી) ભારતીય અંડર-19 મહિલા ટીમ માટે ખૂબ જ ખાસ દિવસ હશે. આ દિવસે શેફાલી વર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ પાસે ઈતિહાસ રચવાની અને પોતાના દેશ માટે વર્ષનો પહેલો વર્લ્ડકપ જીતવાની સુવર્ણ તક છે.વાસ્તવમાં દક્ષિણ આફ્રિકામાં ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડકપ યોજાઇ રહ્યો છે. ભારત તેની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. આ ટાઈટલ મેચ રવિવારે (29 જાન્યુઆરી) ભારતીય સમય અનુસાર સાંજે 5:15 વાગ્યાથી પોચેફસ્ટ્રુમના સેનવેસ પાર્કમાં રમાશે.






સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું


આ મેદાન પર ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે સેમીફાઇનલ રમી હતી, જેમાં તેણે 8 વિકેટે જીત મેળવી હતી. પરંતુ ભારતીય ટીમ માટે ફાઈનલમાં ઈંગ્લેન્ડને ટક્કર આપવી સરળ નહીં હોય. ઈંગ્લેન્ડની ટીમ આ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. તેણે ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, આયરલેન્ડ, રવાન્ડા, પાકિસ્તાન અને ઝિમ્બાબ્વેને હરાવ્યા છે.


જ્યારે ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં સેમીફાઈનલ સહિત 6 મેચ રમી છે, જેમાં તેણે 5માં જીત મેળવી છે. ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ (સેમીફાઈનલ), શ્રીલંકા, સ્કોટલેન્ડ, UAE અને દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે.


ઓસ્ટ્રેલિયા 3 રનથી હારી ગયું હતું



પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની મહિલા અંડર-19 ટીમે 99 રન બનાવ્યા હતા. ટીમ માટે એલેક્સ સ્ટોનહાઉસે 25 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. કેપ્ટન ગ્રેસ સ્ક્રિવેન્સે 20 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી મેગી ક્લાર્ક, ઇલા વાયવાર્ડ અને સિએના ગિંગરે 3-3 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ 19મી ઓવરમાં 96 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.


આ ભારતીય ખેલાડીઓએ ધૂમ મચાવી છે


ICC અંડર-19 T20 વર્લ્ડકપની આ પ્રથમ સિઝનમાં 18 વર્ષની ભારતીય બેટ્સમેન શ્વેતા સેહરાવતે ધૂમ મચાવી છે. તેણે ટૂર્નામેન્ટમાં 6 મેચ રમી જેમાં તેણે સૌથી વધુ 292 રન બનાવ્યા. શ્વેતા ટૂર્નામેન્ટમાં ટોપ સ્કોરર છે. બીજા નંબર પર કેપ્ટન શેફાલી છે જેણે 6 મેચમાં 157 રન બનાવ્યા છે. શેફાલી પણ સિનિયર ટીમની મહત્વની સભ્ય છે.


બોલિંગમાં લેગ સ્પિનર ​​પાર્શ્વી ચોપડાએ ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધી 5 મેચમાં 9 વિકેટ ઝડપી છે. પાર્શ્વી સેમીફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ રહી હતી. તેણે 20 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. શ્વેતાએ ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં 45 બોલમાં અણનમ 61 રન બનાવ્યા હતા.