IND vs SA Final:  ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને રોમાંચક મેચમાં સાત રનથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 20 ઓવરમાં આઠ વિકેટે 169 રન બનાવી શકી હતી. 






 


રોમાંચક મેચમાં ભારતની જીત 


ભારત અને સાઉથ આફ્રિકા ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત થઈ છે. ભારતે સાઉથ આફ્રિકાના ઝડબામાંથી મેચ છિનવી લીધી છે. એક સમયે એવુ લાગી રહ્યું હતુ કે ભારત આ મેચ હારી જશે પરંતુ ભારતીય ટીમના બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ભારતે આ મેચ જીતી લીધી હતી. 


ભારતની આ જીતમાં વિરાટ કોહલીનો મહત્વનો ફાળો છે. કોહલીએ ફાઈનલ મુકાબલમાં શાનદાર ઈનિંગ રમી હતી. કોહલીએ  દક્ષિણ આફ્રિકા સામેના ટાઇટલ મુકાબલામાં તેણે 59 બોલમાં 76 રનની ઇનિંગ રમીને ભારતને મુશ્કેલીમાંથી ઉગારી લીધું હતું. બુમરાહે ખૂબ જ શાનદાર બોલિંગ કરી હતી. બુમરાહે 4 ઓવરમાં 18 રન આપી 2 વિકેટ ઝડપી હતી. બુમરાહની શાનદાર બોલિંગના કારણે ટીમને જીત મળી છે. 


આ પહેલા ભારતે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ સાથે જ ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો છે. 13 વર્ષ બાદ કોઈ વર્લ્ડ કપ જીત્યો છે. ભારતે 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો.


ડી કોક અને સ્ટબ્સની ભાગીદારી 


દક્ષિણ આફ્રિકા માટે શરૂઆત સારી રહી ન હતી કારણ કે  હેન્ડ્રીક્સ અને કેપ્ટન એડન માર્કરામ ચાર રન બનાવીને આઉટ થયા હતા. પરંતુ અહીંથી ક્વિન્ટન ડી કોક અને ટ્રિસ્ટન સ્ટબ્સે 68 રનની ભાગીદારી કરી અને સાઉથ આફ્રિકાને મેચમાં પરત લાવ્યું. સ્ટબ્સે 21 બોલમાં 31 રન અને ડી કોકે 31 બોલમાં 39 રન બનાવ્યા હતા.



દક્ષિણ આફ્રિકાનો સ્કોર 3 વિકેટે 70 રન હતો ત્યારે હેનરિક ક્લાસેન બેટિંગ કરવા ક્રિઝ પર આવ્યો હતો. ક્લાસને અહીંથી ઝડપી બેટિંગ શરૂ કરી અને માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તેણે 2 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી. ક્લાસને 27 બોલમાં 52 રન બનાવ્યા હતા. 15મી ઓવરમાં ક્લાસને અક્ષર પટેલ પાસેથી 24 રન લીધા હતા જ્યાંથી મેચ સંપૂર્ણપણે ઊંધી પડી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ છેલ્લી 4 ઓવરમાં ભારતે બોલિંગના દમ પર વાપસી કરી હતી.