IND W vs SA W: ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 3 વિકેટથી હરાવ્યું હતું. રોમાંચક મેચમાં, નડીન ડી ક્લાર્કની 84 રનની ઇનિંગે ટીમ ઇન્ડિયા પાસેથી જીત છીનવી લીધી. પહેલા બેટિંગ કરતા ભારતે 251 રનનો સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 7 બોલ બાકી રહેતા 3 વિકેટે મેચ જીતી લીધી. ઓલરાઉન્ડર નડીન ડી ક્લાર્કે એકલા હાથે ભારતીય બોલરો સામે રન ફટાકાર્યા હતા. 2025 વર્લ્ડ કપમાં આ ભારતની પહેલી હાર છે.
વિશાખાપટ્ટનમમાં રમાયેલી આ મેચમાં ભારતીય બેટિંગ નિષ્ફળ રહી હતી. ટીમ ઈન્ડિયાએ માત્ર 102 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાંથી, ઋચા ઘોષે 94 રન બનાવીને ટીમના સ્કોરમાં મોટો ફાળો આપ્યો. સ્નેહ રાણાએ પણ 33 રન બનાવ્યા હતા.
ભારત જીતેલી મેચ હારી ગયું
252 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની અડધી ટીમ 51 રનના સ્કોરે પેવેલિયનમાં પાછી ફરી ગઈ. કેપ્ટન લોરા વુલ્વાર્ટ લાંબા સમય સુધી એક છેડે ઉભી રહી, જેણે 70 રનની ઈનિંગ રમી. એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા સરળ જીત નોંધાવશે. જ્યારે વુલ્વાર્ટની વિકેટ પડી ત્યારે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 142/6 હતો. અહીં પણ, ટીમ ઈન્ડિયા માટે જીત સરળ લાગતી હતી.
દરમિયાન, નડીન ડી ક્લાર્ક અને ક્લોઈ ટ્રાયને 59 રનની ભાગીદારી કરીને દક્ષિણ આફ્રિકાને વિજયની નજીક પહોંચાડ્યું. આ દરમિયાન, જ્યારે ટ્રાયન 49 રન બનાવીને આઉટ થઈ, ત્યારે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે હજુ પણ 41 રનની જરૂર હતી. પરંતુ ક્લાર્ક હજુ પણ ક્રીઝ પર મજબૂતીથી ઉભી રહી. નડીન ડી ક્લાર્કે એકલા હાથે ટીમ ઈન્ડિયાને હરાવી દીધી. તેણીએ 54 બોલમાં આઠ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ 84 રન બનાવ્યા.
ભારતીય ટીમે અગાઉ શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવ્યું હતું, પરંતુ હવે દક્ષિણ આફ્રિકા 2025 ના વર્લ્ડ કપમાં તેમને હરાવનાર પ્રથમ ટીમ બની ગઈ છે.
ગુરુવારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી રોમાંચક મહિલા વર્લ્ડ કપ મેચમાં, ભારતીય મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરતા ઋચા ઘોષની 94 રનની ઇનિંગને કારણે 49.5 ઓવરમાં 10 વિકેટે 251 રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 48.5 ઓવરમાં 7 વિકેટે 252 રન બનાવીને મેચ જીતી લીધી.