Team India next match: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ પોતાના નામે કર્યો, અને હવે ક્રિકેટ ચાહકોના મનમાં એક જ સવાલ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી પછી ટીમ ઈન્ડિયાની આગામી મેચ ક્યારે અને કઈ ટીમ સામે હશે? ચેમ્પિયન્સ ટ્રોફીની ધમાકેદાર જીત બાદ હવે સૌ કોઈની નજર ભારતીય ટીમની આગામી સિરીઝ પર મંડાયેલી છે.

ચેમ્પિયન્સ ટ્રોફીની ટૂર્નામેન્ટ પૂર્ણ થતાની સાથે જ ક્રિકેટ રસિકો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. IPLની રોમાંચક શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે. આ વખતે IPLની સિઝન થોડી અલગ અને વધુ રોમાંચક બની રહેશે, કારણ કે તાજેતરમાં યોજાયેલી મેગા ઓક્શન પછી તમામ ટીમોના ખેલાડીઓ બદલાઈ ગયા છે અને ટીમનું સંતુલન પણ નવું જોવા મળશે. IPLના ઉત્સાહની વચ્ચે ટીમ ઈન્ડિયાના ચાહકો એ જાણવા માટે ઉત્સુક છે કે ચેમ્પિયન્સ ટ્રોફી પછી ભારતની નેક્સ્ટ મેચ ક્યારે અને કોની સામે છે. તો ચાલો જાણીએ તમારા આ સવાલનો જવાબ.

ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ભારતીય ટીમ તેની આગામી મેચ ઈંગ્લેન્ડ સામે રમશે. ટીમ ઈન્ડિયા જૂન મહિનામાં ઈંગ્લેન્ડના પ્રવાસે જશે, જ્યાં બન્ને ટીમો વચ્ચે 5 મેચોની ટેસ્ટ શ્રેણી રમાશે. આ ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ 20 જૂનથી થશે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ લીડ્સમાં 20 થી 24 જૂન દરમિયાન રમાશે. ત્યારબાદ બીજી ટેસ્ટ 2 જુલાઈથી 6 જુલાઈ સુધી બર્મિંગહામમાં, ત્રીજી ટેસ્ટ 10 જુલાઈથી 14 જુલાઈ સુધી લંડનમાં, ચોથી ટેસ્ટ 23 જુલાઈથી 27 જુલાઈ દરમિયાન માન્ચેસ્ટરમાં અને પાંચમી ટેસ્ટ 31 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન લંડનમાં રમાશે. ભારતીય સમય અનુસાર આ તમામ મેચો બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.

ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીનું સમયપત્રક

20 જૂન: ભારત વિ ઇંગ્લેન્ડ, લીડ્ઝ ટેસ્ટ, બપોરે 3:30 વાગ્યે

2 જુલાઈ: ભારત વિ. ઈંગ્લેન્ડ, બર્મિંગહામ ટેસ્ટ, બપોરે 3:30 વાગ્યે

10 જુલાઇ: ભારત vs ઇંગ્લેન્ડ, લોર્ડ્સ, લંડન ટેસ્ટ, બપોરે 3:30 વાગ્યે

23 જુલાઇ: ભારત vs ઇંગ્લેન્ડ, માન્ચેસ્ટર ટેસ્ટ, બપોરે 3:30 વાગ્યે

31 જુલાઈ: ભારત વિ ઈંગ્લેન્ડ, ધ ઓવલ, લંડન ટેસ્ટ, બપોરે 3:30 વાગ્યે

ઉલ્લેખનીય છે કે જ્યારે ભારતીય ટીમે છેલ્લે ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો, ત્યારે વિરાટ કોહલીની કેપ્ટન્સી હેઠળ ભારતે શ્રેણીમાં 2-1થી લીડ મેળવી હતી. જો કે, શ્રેણીની છેલ્લી મેચ કોવિડના કારણે રદ કરવામાં આવી હતી, જે પછી 2022માં રમાઈ હતી, જેમાં ઇંગ્લેન્ડે જીત મેળવીને શ્રેણી 2-2થી બરાબર કરી હતી.

ઈંગ્લેન્ડનો આગામી પ્રવાસ ભારતીય ટીમ માટે અનેક રીતે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. આ પ્રવાસ માટે ભારતીય ટીમમાં કેટલાક ફેરફારો પણ જોવા મળી શકે છે. એવી શક્યતા છે કે રોહિત શર્મા આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ ન પણ હોય અને તેના સ્થાને કોઈ નવા ખેલાડીને કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે. તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમી હતી, જેમાં ભારતને 4-1થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ રોહિત શર્માની કેપ્ટનશિપ પર અનેક સવાલો ઉભા થયા હતા, જેના કારણે ટીમમાં કેટલાક નવા ફેરફારો થવાની સંભાવના છે.

આ પણ વાંચો...

ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ ભારતને મળ્યા 20 કરોડ રૂપિયા, કોણ આપશે આ રકમ, ICC કે પાકિસ્તાન?