નવી દિલ્હી: ઇગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં ભારતીય બેટ્સમેનોએ ખરાબ દેખાવ કર્યો હતો. ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં જ 78 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ છે. ભારતના ફક્ત બે જ બેટ્સમેનો બે આંકડા સુધી પહોંચી શક્યા હતા. ઓપનર રોહિત શર્મા 19 અને રહાણે 18 રન બનાવી શક્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો અને તે ફક્ત સાત રન બનાવી આઉટ થયો હતો. તેને જેમ્સ એન્ડરસને આઉટ કર્યો હતો. 


કોહલી 7 રન બનાવી એન્ડરસનનો શિકાર બન્યો હતો જ્યારે પૂજારા પણ ફક્ત એક રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. નોંધનીય છે કે ટીમમાં આ બંન્ને બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન ચિંતાનો વિષય બન્યું છે. બંન્ને લાંબા સમયથી ફોર્મ માટે ઝઝૂમી રહ્યા છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન કોહલીએ છેલ્લા 21 મહિનાથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારી નથી. આ દરમિયાન તે ટેસ્ટ, વન-ડે અને ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 50 ઇનિંગ્સ રમી ચૂક્યો છે. કોહલીએ છેલ્લે નવેમ્બર 2019માં બાંગ્લાદેશ વિરુદ્ધ ડે-નાઇટ ટેસ્ટ મેચ દરમિયાન સદી ફટકારી હતી. કોહલીએ તે મેચમાં 136 રનની ઇનિંગ રમી હતી.



અત્યાર સુધી કોહલીએ પોતાના કરિયરમાં 70 સદી ફટકારી છે જેમાં 27 સદી ટેસ્ટમાં, 43 સદી વન-ડેમાં ફટકારી છે. પરંતુ છેલ્લી 50 ઇનિંગ્સમાં તે એક પણ સદી ફટકારવામાં સફળ રહ્યો નથી. આ દરમિયાન તેણે 50 ઇનિંગ્સમાં 1772 રન બનાવ્યા છે. ઇગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં પણ કોહલીનું ફોર્મ ખરાબ રહ્યું છે. પ્રથમ ટેસ્ટમાં કોહલી કાંઇ ખાસ કમાલ કરી શક્યો નહોતો અને ભારતની પ્રથમ ઇનિંગમાં પહેલા જ બોલ પર ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. કોહલીને જેમ્સ એન્ડરસને આઉટ કર્યો હતો. જ્યારે લોર્ડ્સ ખાતેની બીજી ટેસ્ટ મેચમાં કોહલી પ્રથમ ઇનિંગમાં 42 અને બીજી ઇનિંગમાં 20 રન બનાવ્યા હતા. કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારી તેને 21 મહિના થઇ ગયા છે.


  બીજી તરફ ચેતેશ્વર પૂજારાનું ફોર્મ પર ખરાબ રહ્યું છે. ટીમ ઇન્ડિયાની વોલ ગણાતા પૂજારા પણ કાંઇક ખાસ કમાલ કરી શક્યો નથી. પૂજારાએ છેલ્લી 11 ઇનિંગમાં એક પણ અડધી સદી ફટકારી નથી જ્યારે ત્રણ જાન્યુઆરી 2019થી તેણે એક પણ સદી ફટકારી નથી.