India Squad for England Series 2025: ભારતીય ક્રિકેટ ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ (India Tour of England 2025)  20 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. પાંચ ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થવામાં લગભગ એક મહિનાનો સમય બાકી છે, હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ટીમ ઈન્ડિયામાં કયા ખેલાડીઓને સ્થાન આપવામાં આવશે. વિરાટ કોહલી અને રોહિત શર્માના ટેસ્ટ નિવૃત્તિને કારણે ઓપનિંગ અને નંબર-4 બેટ્સમેનના સ્થાનો ખાલી છે. હવે શ્રેયસ ઐયર વિશે એક મીડિયા રિપોર્ટમાં એક મોટો ખુલાસો થયો છે.

ધ ટેલિગ્રાફમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, BCCI શ્રેયસ ઐયરને ઇંગ્લેન્ડ પ્રવાસ પર લઈ જાય તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે. ટેલિગ્રાફ અનુસાર, બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે જો ભારતીય ટીમ ઘરેલુ શ્રેણી રમી રહી હોત તો ઐયરને ટીમમાં સ્થાન મળી શક્યું હોત પરંતુ વિદેશ પ્રવાસ પર તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન નહીં મળે. 

પસંદગીકારોનો વિશ્વાસ જીતી શક્યા નથી 

આ જ સૂત્રએ જણાવ્યું હતું કે BCCI માં એવી માન્યતા છે કે શ્રેયસ ઐય્યરને હજુ પણ તેના રેડ બોલની રમત પર થોડી વધુ મહેનત કરવાની જરૂર છે. ઐયર સફેદ બોલની મેચોમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, તે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ હતો.

એવું પણ કહેવામાં આવ્યું હતું કે શોર્ટ બોલ એકમાત્ર સમસ્યા નથી પણ ઈંગ્લેન્ડમાં બોલમાં સ્વિંગ અને મૂવમેન્ટ પણ હશે, તેથી બોલને ફ્રી છોડવાની કળા શીખવી જરૂરી છે. સૂત્રએ કહ્યું કે ઇંગ્લેન્ડમાં બોલ કેવી રીતે છોડવો તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ જ અહેવાલ મુજબ, બીસીસીઆઈના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, "શ્રેયસ ઐયર સ્વાભાવિક રીતે આક્રમક ક્રિકેટ રમે છે અને ઝડપથી રન બનાવવાનો પ્રયાસ કરે છે. તેથી તેના માટે બોલ મારવો કે નહીં તે નક્કી કરવું મુશ્કેલ બની શકે છે." શ્રેયસને ટીમમાં સ્થાન ન મળવા પાછળ આ એક મોટું કારણ હોઈ શકે છે.

ભારતીય ક્રિકેટ ટીમ 2025 માં ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની મહત્વપૂર્ણ શ્રેણી માટે તૈયાર છે, જે 20 જૂનથી શરૂ થશે. આ શ્રેણી 2025-27 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે અને ભારતીય ક્રિકેટ માટે એક નવો અધ્યાય સાબિત થઈ શકે છે. ભારતીય પસંદગીકારોએ હજુ સુધી આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટીમની પસંદગી કરી નથી, પરંતુ BCCI એ  ડિપાર્ચર શેડ્યૂલને લગભગ અંતિમ સ્વરૂપ આપી દીધું છે.