India tour of Ireland: ભારતીય ટીમ આ મહિને આયર્લેન્ડનો પ્રવાસ કરશે. આ માટે બુધવારે 17 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપવામાં આવી છે જ્યારે ભુવનેશ્વર કુમારને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા સહિત વિરાટ કોહલી, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓ આ પ્રવાસનો ભાગ નહીં હોય. આ ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં આયોજિત ટેસ્ટ મેચ અને વનડે- ટી20 સીરીઝ રમશે.


દ્રવિડ ઈંગ્લેન્ડના પ્રવાસેઃ
ભારતીય ટીમ એક ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચોની શ્રેણી માટે આજે ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે. મુખ્ય કોચ રાહુલ દ્રવિડ તેના સપોર્ટ સ્ટાફ અને પંત-અય્યર સાથે ટૂંક સમયમાં આ પ્રવાસ માટે રવાના થશે. દ્રવિડ ઉપરાંત બેટિંગ કોચ વિક્રમ રાઠોર, બોલિંગ કોચ પારસ મ્હામ્બરે અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપ પણ ઈંગ્લેન્ડ જશે.


VVS લક્ષ્મણ મુખ્ય કોચ રહેશેઃ
આ સ્થિતિમાં ભારતના પૂર્વ બેટ્સમેન અને NCAના ડિરેક્ટર વીવીએસ લક્ષ્મણને આયર્લેન્ડ પ્રવાસ માટે મુખ્ય કોચ તરીકે મોકલવામાં આવશે. નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના કોચ સિતાંશુ કોટક, સાઇરાજ બહુલે અને મુનીશ બાલી સપોર્ટ સ્ટાફનો ભાગ બની શકે છે. આયરલેન્ડના પ્રવાસમાં બંને ટીમો વચ્ચે બે T20 મેચ રમાશે. શ્રેણીની પ્રથમ મેચ 26 જૂને રમાશે જ્યારે બીજી મેચ 28 જૂને રમાશે.


સિતાંશુ કોટક બેટિંગ કોચ રહેશેઃ
સિતાંશુ  કોટક ભૂતકાળમાં ભારત A ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે. તે બેટિંગ કોચ હોઈ શકે છે, જ્યારે મુનીશ બાલી અને સાઇરાજ બહુલે ફિલ્ડિંગ અને બોલિંગ કોચનો હવાલો સંભાળી શકે છે. આ બંને આ વર્ષની શરૂઆતમાં વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા અન્ડર 19 વર્લ્ડકપમાં ભારતની અન્ડર-19 ટીમનો ભાગ હતા.


આયર્લેન્ડના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાઃ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ ઐયર, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.