India U19 medal refusal: રવિવારે (21 December) રમાયેલી U19 Asia Cup Final માં ભારતની હાર કરતાં મેદાન બહાર બનેલી એક ઘટના વધુ ચર્ચામાં રહી છે. પાકિસ્તાન સામે રનર્સ-અપ રહેલી ભારતીય અંડર-19 ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી (Mohsin Naqvi) ના હાથે મેડલ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ભારતીય ખેલાડીઓ પ્રેઝન્ટેશન સેરેમની માટે સ્ટેજ પર પણ ગયા ન હતા, જેના કારણે ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો હંમેશા તણાવપૂર્ણ હોય છે, પરંતુ આ વખતે મેચ પૂરી થયા બાદ રાજદ્વારી તણાવની અસર જોવા મળી હતી. દુબઈમાં રમાયેલી ફાઈનલ મેચ બાદ એવોર્ડ સેરેમની દરમિયાન એક નાટકીય ઘટના બની હતી, જેમાં ભારતીય ટીમે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
સ્ટેજ પર જવાનો ઈન્કાર અને મેડલ વિવાદ
સામાન્ય રીતે ફાઈનલ મેચ બાદ રનર્સ-અપ ટીમને મેડલ એનાયત કરવામાં આવે છે. પરંતુ ભારતીય યુવા ટીમે ACC President મોહસીન નકવી પાસેથી મેડલ લેવાનો ઇનકાર કરી દીધો હતો. નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ચેરમેન હોવાની સાથે પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે. ભારતીય ટીમ સ્ટેજ પર જવાને બદલે પોડિયમની નીચે જ ઉભી રહી હતી. આખરે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના એસોસિએટ મેમ્બર ડિરેક્ટર મુબાશ્શીર ઉસ્માની (Mubashshir Usmani) એ ભારતીય ખેલાડીઓને મેડલ આપ્યા હતા.
સિનિયર ટીમનું પુનરાવર્તન?
આ ઘટનાએ થોડા સમય પહેલા બનેલી સિનિયર મેન્સ એશિયા કપની યાદ અપાવી દીધી છે. ત્યારે ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી, પરંતુ તત્કાલીન સમયે પણ ભારતીય કેપ્ટને નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાની ના પાડી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભૂ-રાજકીય તણાવ અને નકવીની કથિત ભારત વિરોધી સોશિયલ મીડિયા ગતિવિધિઓને કારણે ભારતીય ટીમ તેમનાથી અંતર જાળવી રહી છે. અગાઉના કિસ્સામાં આ વિવાદને કારણે ટ્રોફી સેરેમનીમાં કલાકોનો વિલંબ થયો હતો અને નકવી ગુસ્સે થઈને ટ્રોફી લઈને ACC હેડક્વાર્ટર જતા રહ્યા હતા.
નકવીનું અજીબ વર્તન
એક તરફ ભારતીય ટીમનો વિરોધ હતો, તો બીજી તરફ મોહસીન નકવી એક તટસ્થ ACC પ્રમુખ તરીકે વર્તવાને બદલે પાકિસ્તાની ટીમ સાથે "ચેમ્પિયન્સ" બોર્ડની પાછળ ઉજવણી કરતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે કોઈપણ એસોસિએશનના વડા બંને ટીમો માટે સમાન હોય છે, પરંતુ નકવીનું આ વર્તન ટીકાનું કારણ બન્યું છે.
મેચનો અહેવાલ: ભારતની કારમી હાર વિવાદોથી અલગ મેચના પરિણામની વાત કરીએ તો, ફાઈનલમાં પાકિસ્તાને ભારતને એકતરફી મુકાબલામાં 191 Runs થી હરાવ્યું હતું.
પાકિસ્તાનનો સ્કોર: પાકિસ્તાને સમીર મિન્હાસના તોફાની 172 Runs ની મદદથી 347 રનનો પહાડ જેવો સ્કોર ખડક્યો હતો.
ભારતનો ધબડકો: મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માત્ર 26.2 Overs માં 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
શરૂઆત સારી પણ અંત ખરાબ: ભારતે 5 ઓવરમાં 49 રન બનાવીને સારી શરૂઆત કરી હતી, પરંતુ એરોન જ્યોર્જ અને વૈભવ સૂર્યવંશીની વિકેટ પડતા જ ટીમ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી. પાકિસ્તાનના બોલરો અલી રઝા, મોહમ્મદ સૈયમ અને અબ્દુલ સુભાને ભારતીય બેટિંગ લાઈન-અપ તોડી નાખી હતી.