ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રણ મેચની T20 શ્રેણી આવતીકાલ (20 સપ્ટેમ્બર)થી શરૂ થઈ રહી છે. આગામી મહિનાની 16મી તારીખથી ઓસ્ટ્રેલિયાની ધરતી પર T20 વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહ્યું છે, તેથી આ T20 શ્રેણી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. ટી-20 સીરિઝની પ્રથમ મેચ મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA) સ્ટેડિયમમાં રમાશે.
બીજી વખત બંને ટીમો મોહાલીમાં ટકરાશે
T20 ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો મોહાલીમાં બીજી વખત આમને-સામને છે. અગાઉ 27 માર્ચ, 2016ના રોજ T20 વર્લ્ડ કપની સુપર-10 સ્ટેજની મેચ મોહાલીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાઈ હતી. આ નિર્ણાયક મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવીને સેમિફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું.
તે મેચમાં તત્કાલીન ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં છ વિકેટે 160 રનનો સ્કોર બનાવ્યો હતો. એરોન ફિન્ચે 43 અને ગ્લેન મેક્સવેલે 31 રનનું યોગદાન આપ્યું હતું. ભારતીય ટીમ તરફથી હાર્દિક પંડ્યાએ બે વિકેટ ઝડપી હતી.
કિંગ કોહલીએ મેચની બાજી બદલી હતી
જવાબમાં ભારતે પોતાના ઓપનર રોહિત શર્મા અને શિખર ધવનની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. બાદમાં સુરેશ રૈના પણ જલદી આઉટ થઇ જતા ટીમ ઇન્ડિયાએ 49 રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં વિરાટ કોહલીએ ભારતીય ટીમને પોતાના દમ પર જીતાડવાનો નિર્ણય કર્યો. પરિણામે ભારતે 5 બોલ બાકી રહેતા 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
વિરાટ કોહલી 51 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 82 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ દરમિયાન તેણે એમએસ ધોની (18) સાથે પાંચમી વિકેટ માટે 67 રનની અણનમ ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી શેન વોટસન બે વિકેટ સાથે સૌથી સફળ બોલર રહ્યો હતો.
મોહાલીમાં કોહલીનો શાનદાર રેકોર્ડ
વિરાટે મોહાલીના આ મેદાન પર કુલ બે ટી20 મેચ રમીને કુલ 154 રન બનાવ્યા છે. ખાસ વાત એ છે કે તે આ બંને મેચમાં અજેય રહ્યો છે. 2016માં ઓસ્ટ્રેલિયા સામે જ્યાં કોહલીએ 82 રનની ઇનિંગ રમી હતી. વર્ષ 2019 માં દક્ષિણ આફ્રિકા સામે કોહલીએ 52 બોલમાં 72 રન બનાવ્યા હતા. તે બંને મેચમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.