એડિલેડઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો 8 વિકેટથી કારમો પરાજય થયો હતો. મેચ જીતવા 90 રનનો ટાર્ગેટ ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી જો બર્ન્સ 41 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી અશ્વિને 1 વિકેટ ઝડપી હતી. જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં 1-0ની લીડ લઈ લીધી છે. મેચનું ત્રીજા જ દિવસે પરિણામ આવ્યું હતું.


આ પહેલા ત્રીજા દિવસના પ્રથમ સેશનમાં ભારતીય ટીમ માત્ર 36 રનમાં ખખડી ગઈ હતી. શમી 1 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. ભારતનો એક પણ બેટ્સમેન ડબલ આંકડામાં પહોંચી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે 8 રનમાં 5 વિકેટ અને કમિન્સે 21 રનમાં 4 વિકેટ લીધી હતી.



બીજા દિવસની શરૂઆતમાં ભારતની પ્રથમ ઈનિંગ 244 રનમાં સમેટાઈ હતી. બીજા દિવસે ભારતે 25 બોલમાં જ અંતિમ 4 વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ બેટિંગમાં આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઈનિંગમાં 191 રનમાં સમેટાઈ ગઈ હતી. જેના લીધે ભારતને 53 રનની નિર્ણાયક લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેની 73 રને નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી અશ્વિને 55 રનમાં 4 વિકેટ, ઉમેશ યાદવે 40 રનમાં 3 વિકેટ અને બુમરાહે 52 રનમાં 2 વિકેટ લીધી હતી.

પ્રથમ દિવસઃ ભારત 233/6

ડે નાઇટ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. ટીમ ઈન્ડિયાએ દિવસના અંતે 6 વિકેટના નુકસાન પર 233 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી પૃથ્વી શોએ 0, મયંક અગ્રવાલે 17, પુજારાએ 43, કોહલીએ 74, રહાણેએ 42 અને હનુમા વિહારીએ 16 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કને 2, હેઝલવુડ, પેટ કમિંસ, નાથન લાયનને 1-1 વિકેટ મળી હતી.

ભારતીય ટીમઃ મંયક અગ્રવાલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા, આર.અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.

ઓસ્ટ્રેલિયાની ટીમઃ જો બર્ન્સ, મેથ્યુ વેડ, માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરૂન ગ્રીન, ટીમ પેની, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેઝલવુડ