મેલબર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરિઝની બીજી ટેસ્ટ મેલબર્નમાં રમાઈ રહી છે. ત્રીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટના નુકસાન પર 133 રન બનાવી લીધા છે. કેમરૂન ગ્રીન 17 અને પેટ કમિંસ 15 રને રમતમાં છે. ભારતની 131  રનની લીડ બાદ કરતાં હાલ ઓસ્ટ્રેલિયા 2 રન આગળ છે અને 4 વિકેટ બાકી છે. એક તબક્કે ઓસ્ટ્રેલિયાએ 99 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ તે પછી એક પણ વિકેટ ભારતીય બોલરો લઇ શક્યા નહોતા.


ઓસ્ટ્ર્લિયા તરફથી મેથ્યુ વેડે સર્વાધિક 40 રન બનાવ્યા હતા. લાબુશાને 28 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી જાડેજાને 2, બુમરાહ, ઉમેશ યાદવ, અશ્વિન અને સિરાજને 1-1 સફળતા મળી હતી. ઓસ્ટ્રેલિયાની ઈનિંગ દરમિયાન એક અનોખી ઘટના બની હતી. જેમાં ઓસ્ટ્રેલિયન બોલર મેથ્યૂ વેડનું હેલ્મેટ તૂટી ગયું હતું.

35મી ઓવરનો ચોથો બોલ મેથ્યુ વેડના હેલ્મેટને વાગ્યો. આ બાઉન્સર બુમરાહે ફેંક્યો હતો. બોલ એટલો ફાસ્ટ હતો કે હેલ્મેટને નુકસાન થયું. જોકે એ પછી ઓસ્ટ્રેલિયન ટીમના ફિઝિયોએ તેનો કન્ક્શન ટેસ્ટ કર્યો. સારી વાત એ છે કે વેડને કોઈ ઈજા થઈ નહોતી અને તે એમાં પાસ થયો હતો. એ પછી વેડે હેલ્મેટ બદલ્યું અને રમવાનું ચાલુ રાખ્યું હતું. 40 રન બનાવી જાડેજાની ઓવરમાં તે એલબીડબલ્યુ આઉટ થયો હતો. તે ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા તરફથી સર્વાધિક રન બનાવનારો ખેલાડી હતો.