બ્રિસ્બેનઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે 7 વિકેટના નુકસાન પર 309 રન બનાવી લીધા છે. શાર્દુલ ઠાકુર 67 રન બનાવી આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદર 54 રને રમતમાં છે. બંનેએ સાતમી વિકેટ માટે 123 રનની પાર્ટનરશિપ કરી હતી. આ દરમિયાન તેમણે અનેક રેકોર્ડ બનાવ્યા હતા.


39 વર્ષ બાદ ભારતના સાતમા અને આઠમા ક્રમના બેટસમેનોએ વિદેશની ધરતી પર ફિફ્ટી મારી હતી. આ રેકોર્ડની ખાસ વાત એ હતી કે તેમાં વિકેટકિપર બેટ્સમેન નહોતો. આ પહેલા 1982માં કપિલ દેવ અને સંદીપ પાટીલની જોડીએ આવું કારનામું કર્યું હતું. માંચેસ્ટરમાં રમાયેલી ટેસ્ટમાં કપિલ દેવે 65 રન બનાવ્યા હતા અને સંદીપ પાટીલ 129 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. બ્રિસ્બેન ટેસ્ટનો રેકોર્ડ ખાસ એટલા માટે છે કે તેમાં બંને ખેલાડીઓ ડેબ્યૂ મેચની પ્રથમ ઈનિંગ રમતા હતા.

જાન્યુઆરી 2019 બાદ ભારતીય બેટ્સમેનોએ સાતમી વિકેટ માટે પ્રથમ વખત આટલી મોટી ભાગીદારી કરી છે.  શાર્દુલ ઠાકુરે બેટિંગમાં ઉતરતાં બીજા જ બોલે છગ્ગો ફટકારીને ખાતું ખોલાવ્યું હતું. તેની આ સ્ટાઇલથી ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ પણ ચોંકી ગયા હતા. જે બાદ તેણે ફિફ્ટી પણ છગ્ગો ઠોકીને પૂરી કરી હતી.



એક સમયે ભારતનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 186 રન થઈ ગયો હતો અને અહીંયાથી ભારત વધારે લાંબુ નહીં ખેંચે તેમ લાગતું હતું, પરંતુ બંને અહીંથી ઓસ્ટ્રેલિયન બોલર્સને હંફાવ્યા હતા અને ફટકાબાજી શરૂ કરી કરી હતી. જેના કારણે કાંગારુ બોલર્સ અકળાઈ ગયા હતા અને બોડી લાઇન બોલિંગ શરૂ કરી હતી. જેમાં એક વખત શાર્દુલ ઠાકુરને આંગળી પર બોલ વાગ્યો હતો અને તેણે સારવાર લેવી પડી હતી.

ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમમાં ચાર ફેરફાર કરાયા છે. હનુમા વિહારી, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિન ઈજાને કારણે મેચ નથી રમી રહ્યા. તેમના સ્થાને શાર્દૂલ ઠાકુર, ટી. નટરાજન, વી. સુંદર અને મયંક અગ્રવાલ રમી રહ્યા છે, જે પૈકી ઠાકુર, નટરાજન, સુંદર ડેબ્યૂ કર્યુ હતું.

ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ અને ટી. નટરાજન

ઓસ્ટ્રેલિયાની ટીમ: ડેવિડ વોર્નર, માર્કસ હેરિસ, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરુન ગ્રીન, ટિમ પેની, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન અને જોશ હેઝલવુડ