સિડનીઃ 7 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી સિડની ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા મુશકેલીમાં ફસાતી નજરે પડી રહી છે. ટીમના પાંચ ખેલાડી રોહિત શર્મા, રિષભ પંત, શુભમન ગિલ, નવદીપ સૈની અને પૃથ્વી શૉએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની બાયો સિક્યોરિટી પ્રોટોકોલ્સનો ભંગ કર્યો છે. બીસીસીઆઆઈએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.


બીસીસીઆઈ હવે વીડિયોની તપાસ કરશે. આ વીડિયોમાં ભારતીય ખેલાડીઓ રેસ્ટોરંટમાં બહાર બેસીને જમતા નજરે પડી રહ્યા છે. મેલબર્નમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ એક હોટલમાં જમવા ગયા હતા. આ હોટલમાં એક ફેને 6683 રૂપિયા (118.69 ડોલર)નું બિલ ચૂકવ્યું હતું. જે બાદ રિષભ પંત ક્રિકેટ ફેનને ભેટ્યો હતો.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આને બાયો બબલના નિયમોનું ઉલ્લંઘન માન્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ મુદ્દાની ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે. પંત અને અન્ય ખેલાડીઓ પર તપાસની શું અસર થશે તે ન કહી શકાય. પરંતુ આ ખેલાડીઓએ કોવિડ ટેસ્ટમાંથી ચોક્કસ પસાર થવું પડશે.

ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી હાલ 1-1થી બરાબરી પર છે. સીરિઝનો ત્રીજો મુકાબલો 7 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.