નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં છે, અહીં હાલ બન્ને ટીમો વચ્ચે વનડે સીરીઝ ચાલી રહી છે. પ્રથમ બે વનડે મેચોમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે, હવે એક વનડે બાકી છે. પરંતુ આ બધાની વચ્ચે ભારત માટે સારા સમાચાર સામે આવી રહ્યાં છે કે ઓસ્ટ્રેલિયન વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નર લિમીટેડ ઓવરોની સીરીઝમાંથી બહાર થઇ ગયો છે. બીજી વનડે દરમિયાન વોર્નરને ઇજા થઇ હતી જેના કારણે હવે તેનુ આગામી સીરીઝમાં રમવુ અસંભવ છે.

રિપોર્ટ પ્રમાણે, ઇજાગ્રસ્ત વોર્નર હવે ભારત સામે અંતિમ વનડે અને ટી20 સીરીઝમાં ભારત સામે નહીં રમે. ટી20માં તેની જગ્યાએ રિપ્લેસમેન્ટમાં કાંગારુ ટીમમાં ડાર્સી શોર્ટને સામેલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટે ડેવિડ વોર્નરને ઇજાના કારણે આરામ કરવાનો સમય આપ્યો છે. જોકે, ટેસ્ટ સીરીઝ સુધીમાં તે ફિટ થઇ જશે.



હાલ વોર્નર રિહૈબ માટે ઘરે પરત ફર્યો છે, જેનાથી તે ટેસ્ટ સીરીઝમાં વાપસી કરી શકે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન ટીમમાંથી પેટ કમિન્સને પણ ટી20 સીરીઝમાંથી આરામ માટે બહાર રખાયો છે, જેથી ટેસ્ટ માટે ફિટ થઇ શકે.