એડીલેઈડઃ ભારતે ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં શરૂ થયેલી પહેલી ટેસ્ટમાં ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમે પોતાની ઈલેવનમાં પૃથ્વી શોને ઓપનર તરીકે સમાવ્યો છે. 2018માં પોતાની પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારી હોવા છતાં પૃથ્વી શો માત્ર 4 ટેસ્ટ રમી શક્યો છે. જો કે એડિલેટ ડેસ્ટમાં પૃથવી શો બીજા જ બોલે આઉટ થતાં તેનો દેખાવ નિરાશાજનક રહ્યો છે.


મુંબઈમાં સ્કૂલ ચેમ્પિયનશીપમાં રીઝવી સ્પ્રિંગફિલ્ડ સ્કૂલ માટે રમતાં માત્ર 14 વર્ષની વયે 330 બોલમાં 546 રન ફટકારીને લાઈમ લાઈટમાં આવેલા પૃથ્વીને 2016માં રણજી ટ્રોફીમાં તમિલનાડુ સામે સેમી ફાઈનલમાં તક મળી હતી. આ મેચની બીજી ઈનિંગ્સમાં સદી ફટકારીને શોએ મુંબઈને જીત અપાવીને ફાઈનલમાં પહોંચાડ્યું હતું. શો દુલીપ ટ્રોફીની પહેલી મેચમાં પણ સદી ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. પૃથ્વી શોના નેતૃત્વમાં ભારતે અંડર 19 વર્લ્ડકપ જીત્યો હતો.

ટોસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે,  અહીં સારી વિકેટ (Wicket) લાગી રહી છે અને બોર્ડ પર રન બનાવવું હંમેશાં સારું હોય છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે તે વિરોધી ટીમ પર દબાણ બનાવી શકશે.