એડિલેડઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો 8 વિકેટથી કારમો પરાજય થયો હતો. મેચ જીતવા 90 રનનો ટાર્ગેટ ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી જો બર્ન્સ 41 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી અશ્વિને 1 વિકેટ ઝડપી હતી. જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં 1-0ની લીડ લઈ લીધી છે. મેચનું ત્રીજા જ દિવસે પરિણામ આવ્યું હતું. કોહલીએ ટોસ જીત્યો હોય અને ભારત મેચ હાર્યુ હોય તેમ પાંચ વર્ષમાં પ્રથમ વખત બન્યું હતું.


આ મેચ પહેલા કોહલી માટે ટોસ લકી ચાર્મ રહ્યો હતો. કોહલીએ 2015 બાદ એડિલેડ ટેસ્ટ પહેલા જેટલી પણ વખત ટોસ જીત્યો હતો તેમાં એક પણ હાર નહોતી થઈ. આજની મેચ પહેલાની 25 ટેસ્ટમાંથી  21 વખત ભારતની જીત થઈ હતી, જ્યારે 4 મેચ ડ્રો ગઇ હતી. આમ કોહલી જ્યારે પણ ટેસ્ટમાં ટોસ જીત્યો છે ત્યારે ભારત વિજેતા બન્યું હતું. પરંતુ 26મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ કોહલીનો વિજય રથ અટકાવી દીધો હતો.



કોહલી હવે ભારત પરત ફરશે. અનુષ્કા મા બનવાની હોવાથી કોહલી તેના બાળકના જન્મ સમયે પરિવાર સાથે રહેવા ઈચ્છે છે.