મેલબર્નઃ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 26 ડિસેમ્બરથી બોક્સિંગ ડે ટેસ્ટ રમશે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો ભૂંડી રીતે પરાજય થયો હતો. ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં માત્ર 36 રનમાં જ તંબુ ભેગી થઈ ગઈ હતી, જેને લઈ ઘણી ટીકા થઈ હતી. પ્રથમ ટેસ્ટ બાદ કોહલી પેટરનિટી લીવ પર હોવાથી ભારત આવવા રવાના થઈ ગયો છે. પ્રથમ ટેસ્ટમાં શમીના હાથ પર બોલ વાગતાં થયેલા ફ્રેક્ચરના કારણે તે પણ ટેસ્ટી સીરિઝમાંથી બહાર થઈ ગયો છે.


ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને બેટ્સમેન સ્ટીવ સ્મિથે શમીના રિપ્લેસમેંટ તરીકે બે ભારતીય બોલરના નામ આપ્યા છે. તેણે કહ્યું, ભારતીય ટીમ પાસે સારા ફાસ્ટ બોલર્સ છે. મોહમ્મદ સિરાઝ અને નવદીપ સૈની ટેસ્ટ કરિયરમાં સારા બોલર બની શકે છે.  તેણે કહ્યું, ભારતીય ટીમને ઈશાંત શર્માની ખોટ વર્તાઇ રહી છે, તેના અનુભવના લાભથી ટીમ હાલ વંચિત છે.

રહાણે સીરિઝની બાકીની ત્રણ મેચની કેપ્ટનશિપ કરશે. કોહલી કહી ચુક્યો છે કે મને ભરોસો છે કે રહાણે શાનદાર કામ કરશે. પરંતુ આ વખતે રહાણેની કેપ્ટનશિપ અગ્નિ પરીક્ષાથી જરા પણ ઓછી નથી. રહાણે કોહલીની ગેરહાજરીમાં ત્રીજી વખત કેપ્ટનશિપ કરશે.

અત્યાર સુધી રહાણેએ જે બે મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી છે તેમાં ભારતનો વિજય થયો છે. કોહલી ઈજાગ્રસ્ત થતાં રહાણેએ 2017માં ધર્મશાળામાં ઓસ્ટ્રેલિયા સામે કેપ્ટનશિપ કરી હતી. જેમાં ભારતની 8 વિકેટથી જીત થઈ હતી.

જે બાદ 2018માં અફઘાનિસ્તાન સામેની એક માત્ર ટેસ્ટમાં કોહલીની ગેરહાજરીમાં રહાણેને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. ભારતીય ટીમે ટેસ્ટ ડેબ્યૂ કરી રહેલી અફઘાનિસ્તાનની ટીમને એખ ઈનિંગ અને 262 રનથી હાર આપી હતી.