મેલબર્નઃ ઓસ્ટ્રેલિયા સામે મેલબર્નમાં રમાઇ રહેલ બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર ઉમેશ યાદવ ઇજાગ્રસ્ત થઇને મેદાનથી બહાર જતો રહ્યો છે. જે ભારતીય ટીમ માટે મોટું નુકસાન સાબિત થઇ શકે છે.

ઉમેશ યાદવ ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. ઈનિંગની 8મી ઓવરમાં માત્ર ત્રણ બોલ ફેંક્યા બાદ તે ઇજાગ્રસ્ત થયો હતો. બોલિંગ રનઅપ માટે તૈયાર થયા બાદ તેની મુશ્કેલી વધી હતી અને મેદાનમાં ફિઝિયો આવ્યો હતો પરંતુ તેમ છતાં રાહત ન થતાં મેદાન છોડીને જતો રહ્યો હતો.

મેચમાં કોમેન્ટ્રી કરી રહેલા સંજય માંજરેકરે જણાવ્યું કે, કદાચ તે કાફ ઇન્જરીનો શિકાર બન્યો છે. આ કારણે તે મેદાન બહાર થયો છે. જોકે સારી વાત એ છે કે જ્યારે બહાર જઈ રહ્યો હતો ત્યારે ખાસ મુશ્કેલી નહોતી લાગતી. પરંતુ હવે જોવાનું છે કે તેની ઇજા કેટલી ગંભીર છે.

ઉમેશ યાદવે ભારતને બીજી ઈનિંગમાં પ્રથમ સફળતા અપાવી હતી.બર્ન્સને પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ભારતે પ્રથમ ઈનિંગમાં 326 રન બનાવી ઓસ્ટ્રેલિયા પર 131 રનની લીડ લીધી હતી.